મ્યુ. ફંડમાં મે માસમાં રોકાણ વધી રૂ. 18529 કરોડ


એક તરફ શેરબજારોમાં મંદીના ડાકલાં વાગતાં હોય, બીજી તરફ મોંઘવારી મોં ફાડીને ઉભી હોય અને સેલેરી ક્લાસને ઇન્ક્રીમેન્ટમાં ફાચર વાગવાની દહેશત ડોકાઇ રહી હોય તેવી સ્થિતિમાં પણ શાણા અને સમજુ બની રહેલા રિટેલ રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં મે માસમાં રૂ. 18529 કરોડનું નેટ ઇન્વેસ્ટમેન્ટ નોંધાવ્યું છે. જે એપ્રિલમાં રૂ. 15890 કરોડ હતું.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે મેનેજમેન્ટ હેઠળની એકંદર સંપત્તિ 31 મેના રોજ રૂ. 37.22 ટ્રિલિયન (લાખ કરોડ) હતી જે એક મહિના અગાઉ રૂ. 38.03 ટ્રિલિયન હતી. ફ્લેક્સી-કેપ ફંડ્સમાં સૌથી વધુ રૂ. 2,938 કરોડ જ્યારે લાર્જ કેપ સ્કીમ્સ અને લાર્જ એન્ડ મિડ કેપ સ્કીમોમાં અનુક્રમે રૂ. 2,485 કરોડ અને 2,413 કરોડનું નેટ ઇન્વેસ્ટમેન્ટ જોવા મળ્યું છે. કુલ રોકાણમાંથી કુલ રિડેમ્પશનને બાદ કરીને ચોખ્ખા પ્રવાહની ગણતરી કરવામાં આવે છે.
શેરબજારમાં કરેક્શન છતાં મે મહિનામાં કોઈપણ ઈક્વિટી સ્કીમ કેટેગરીમાં ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો નથી. બેલવેધર ઇન્ડેક્સ નિફ્ટી 50 મહિનામાં 3.12 ટકા ઘટ્યો હતો જ્યારે નિફ્ટી મિડકેપ 150 અને નિફ્ટી સ્મોલકેપ 250 ઇન્ડેક્સ અનુક્રમે 5.51 અને 9.45 ટકા ઘટ્યા હતા. મે મહિનામાં રેપો રેટમાં અનિશ્ચિત વધારાથી બજારની અસ્થિરતામાં વધારો થયો છે. હાઇબ્રિડ સ્કીમ્સની તમામ શ્રેણીઓ- સ્ટોક, બોન્ડ અને ગોલ્ડના વિવિધ મિશ્રણમાં રોકાણ કરતી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં મે મહિનામાં નોંધાયેલ ચોખ્ખો પ્રવાહ પૈકી હાઇબ્રિડ ફંડ્સે કુલ રૂ. 5,123 કરોડનો ચોખ્ખો નાણાપ્રવાહ નોંધાવ્યો હતો જે અગાઉના મહિનામાં રૂ. 7,240 કરોડ કરતાં ઓછો હતો. સંતુલિત લાભ ફંડ્સ (BAFs) ને રૂ. 2,247 કરોડના હાઇબ્રિડ ફંડ્સમાં સૌથી વધુ ચોખ્ખો પ્રવાહ મળ્યો હતો. શેરબજારમાં અસ્થિરતાનો લાભ લેવા આતુર રોકાણકારો BAFમાં રોકાણ કરવાનું વલણ ધરાવે છે.

વિવિધ ફંડ્સમાં મે માસમાં મૂડીરોકાણ

ફંડરૂ. કરોડ
ફ્લેક્સી ફંડ2938
લાર્જકેપ2485
મિડકેપ2413
હાઇબ્રીડ5123
બેલેન્સ્ડ2247
ડેટ ફંડ્સ-14598
શોર્ટટર્મ ફંડ્સ-8603
ફ્લોટર ફંડ્સ-5285
ગોલ્ડ ETF203

SIPમાં એપ્રિલની સરખામણીએ મે માં રોકાણ વધ્યું

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) એ ઇક્વિટી ફંડ્સમાં રોકાણના પસંદગીના મોડ તરીકે ઉભરી આવ્યા છે. મે માટે એસઆઈપીનું યોગદાન અગાઉના મહિનામાં રૂ. 11, 863 કરોડની સરખામણીએ રૂ. 12,286 કરોડ રહ્યું હતું. SIP ખાતાઓની સંખ્યા 30 એપ્રિલના રોજ 5.39 કરોડની સરખામણીએ 31 મેના રોજ વધીને 5.48 કરોડ થઈ ગઈ હતી.

ગોલ્ડ ETFમાં રોકાણમાં નોંધપાત્ર ઘટાડો

ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) માં ચોખ્ખો પ્રવાહ અગાઉના મહિનામાં રૂ. 1,100 કરોડની સરખામણીએ મે મહિનામાં ઘટીને રૂ. 203 કરોડ થયો હતો. સોનાના ભાવમાં નબળાઈ હોવા છતાં ગોલ્ડ ETFમાં મધ્યમ પ્રવાહ એ રેખાંકિત કરે છે કે કેટલાક રોકાણકારોએ આગળ જતાં વધતી જતી અસ્થિરતાની અપેક્ષાએ સોનામાં ફાળવણી કરવાનું પસંદ કર્યું હતું.