કરેક્શનના માહોલમાં SIP રોકાણ લાભદાયી
જીયો-પોલિટીકલ ક્રાઈસિસ, વૈશ્વિક સ્તરે ફુગાવો અંકુશની બહાર જતાં અને વિશ્વની સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવતા હાલ ઇક્વિટીમાં ભારે વોલેટિલિટી સાથે નરમાઇનો માહોલ જોવા મળ્યો છે. વૈશ્વિકની સાથે ભારતીય શેરબજાર ટૂંકાથી મધ્યમ ગાળા માટે વોલેટાઈલ રહેવાનો સંકેત એનાલિસ્ટો આપી રહ્યા છે. ટૂંકા ગાળામાં બજાર કેવું રિટર્ન આપશે અથવા કંઈ દિશામાં આગળ વધશે તે કહેવુ મુશ્કેલ છે. જો કે, આગામી 12થી 18 મહિના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) મારફત રોકાણ કરવામાં આવે તો યોગ્ય રિટર્ન મેળવવાનો શક્યતા અગ્રણી ફંડ મેનેજર એસ. નરેનએ જણાવી છે.
સપ્ટેમ્બર 2020 સુધી વેલ્યૂ ફંડમાં રોકાણ મામલે ઓછું આકર્ષણ જોવા મળ્યુ હતુ. જોકે, મહામારીમાંથી બજાર બહાર આવ્યા પછી થીમ આધારીત ફંડ્સ ફોકસમાં આવ્યા હતા. વ્યાજદરમાં વૃદ્ધિની શરૂઆત, ક્રૂડના ભાવ આસમાને પહોંચતા અનેક રોકાણકારોમાં મેટલ્સ, એનર્જી અને કોલ સેક્ટર્સ પ્રત્યે આકર્ષણ વધ્યું હતું. આવા સેકટર્સ જેમાં ભૂતકાળમાં રોકાણકારોએ ઓછો રસ દાખવ્યો હતો અને તેને કારણે તે સેગમેન્ટનું વેલ્યૂએશન નીચું રહ્યુ હતું. અર્થતંત્રમાં આવેલી રિકવરીની સાથે વેલ્યૂ ફંડમાં આકર્ષણ વધી રહ્યુ છે, અને રોકાણકારો પણ તે તરફ ડાયવર્ટ થયા છે. વધતા ફુગાવા સામે વેલ્યૂ ઇન્વેસ્ટમેન્ટ મદદરૂપ બનતું હોવાનું ફંડ મેનેજરે જણાવ્યુ હતું.
કેટલાક વેલ્યૂ ફંડની કામગીરી પર નજર નાંખતા જણાશે કે છેલ્લા એક વર્ષમાં નિફ્ટી કરતાં લગભગ ત્રણ ગણું રિટર્ન નોંધાયુ છે. આઇપ્રૂ વેલ્યૂ ડિસ્કવરી ફંડમાં છેલ્લા એક વર્ષમાં 28 ટકા રિટર્ન છૂટી રહ્યુ છે. જ્યારે 10 વર્ષના રોકાણમાં 17.75 ટકાનું રિટર્ન નોંધાયું છે. આ કેટેગરીમાં અન્ય ફંડ્સમાં પણ બેન્ચમાર્ક કરતાં વધુ રિટર્ન જોવા મળ્યુ છે. જ્યારે નિફ્ટીમાં છેલ્લા એક વર્ષમાં 9 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ ફંડમાં ઓગસ્ટ 2004માં રૂ.10,000નું માસિક રોકાણ હાલ રૂ. 1.1 કરોડ થયા છે, જે રૂ.72 લાખનું રિટર્ન આપી રહ્યા છે. તેવી જ રીતે ફંડમાં એ સમયે લમ્પસમ રૂ.10 લાખના રોકાણની વેલ્યૂ આજે રૂ.2.5 કરોડ થઈ છે, જ્યારે બેન્ચમાર્કનું રિટર્ન રૂ.1.3 કરોડનું થાય છે. છેલ્લા 18 વર્ષમાં ચક્રવૃદ્ધિ દરે 20.1 ટકાનું રિટર્ન છૂટી રહ્યું છે.
ટોચના ફંડ્સનો ટ્રેક રેકોર્ડ
નામ | 1 વર્ષ | 5 વર્ષ | 10 વર્ષ |
આઇપ્રૂ વેલ્યૂ | 27.98 | 13.57 | 17.75 |
નિપ્પોન વેલ્યૂ | 24.19 | 13.19 | 15.82 |
ઇન્વેસ્કો કોન્ટ્રા | 17.21 | 13.64 | 17.22 |