કૌભાંડીઓ 12 લાખ ડોલરના ઇથેરિયમ ચોરી ગયા, કૌભાંડોની ભરમાર વચ્ચે ક્રિપ્ટો કરન્સીની વિશ્વસનીયતા ઉપર ઊઠતાં સવાલ

અમદાવાદઃ ઈથેરિયમની બ્લોકચેન ટેક્નોલોજીને વધુ ઝડપી અને સરળ બનાવવાની સાથે તેની વીજ વપરાશની ક્ષમતામાં ઘટાડો કરવા ઈથેરિયમના નેટવર્કને અપગ્રેડ કરવામાં આવ્યુ હતું. ઈથેરિયમની બ્લોકચેન ટેક્નોલોજી પ્રૂફ ઓફ વર્ક (POW)માંથી પ્રૂફ ઓફ સ્ટેક (POS)માં મર્જ કરવામાં આવી હતી. પરંતુ આ મર્જર દરમિયાન કૌંભાંડીઓએ 12 લાખ ડોલરના ઈથેરિયમ ચોરી કર્યા છે.

બ્લોકચેન એનાલિસિસ ફર્મ ચૈનાલિસિસના રિપોર્ટ અનુસાર, પ્રોજેક્ટના પ્રૂફ-ઓફ-સ્ટેકમાં મર્જર દરમિયાન કૌભાંડીઓએ $12 લાખના મૂલ્યના Ethereum (ETH)ની ચોરી કરી હતી. 15મી સપ્ટેમ્બરની ઘટનાના થોડા સમય પહેલા, દરમિયાન અને બાદમાં મર્જર-સંબંધિત કૌભાંડો ઝડપાયા હતા.

ઈથેરિયમ નેટવર્ક મર્જના કૌંભાંડીઓ ક્લાસિક ટ્રસ્ટ ટ્રેડ તરીકે કામ કરી છેતરપિંડી આચરી રહ્યા હતા. જેઓ ઈથેરિયમ હોલ્ડરને અમુક રકમની ક્રિપ્ટો કરન્સી મોકલવા અરજી કરે છે. જેથી તેઓ અપગ્રેડેડ વર્ઝનમાંથી વધુ રિટર્ન મેળવી શકે. ઘણી વાર તેઓએ સેલિબ્રિટીઓની જેમ ઢોંગ આચરી મર્જર બાદ અઢળક રિટર્ન મળવાની જાહેરાતો કરી ક્રિપ્ટો હોલ્ડર્સ પાસેથી 12 લાખ ડોલરથી વધુની કિંમતના ક્રિપ્ટો કરન્સી મગાવ્યા હતા.

ક્રિપ્ટો કરન્સીમાં થતાં 83 ટકા કૌંભાંડ મર્જર સંબંધિત હતા

15 સપ્ટેમ્બરે ઈથેરિયમનું પ્રૂફ ઓફ સ્ટેક સાથે મર્જર પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે ક્રિપ્ટો કરન્સીમાં નોંધાયેલા 83 ટકા કૌંભાંડો આ મર્જર સંબંધિત થયા હતા. ત્યારબાદ 100 ટકા કૌંભાંડ મર્જરના ભાગરૂપે ક્રિપ્ટો અપગ્રેડ કરવાના વચન સાથે ડબલ ક્રિપ્ટો આપવાની લાલચે આચર્યા હતા.

સૌથી વધુ છેતરપિંડીનો ભોગ અમેરિકનો અને ભારતીયો બન્યા

ઉલ્લેખનીય છે કે, આ કૌંભાંડ અને છેતરપિંડીનો સૌથી વધુ ભોગ અમેરિકા અને ભારતના ક્રિપ્ટો યુઝર્સ અને ક્રિપ્ટો હોલ્ડર્સ બન્યા હતા. ક્રિપ્ટોનો સૌથી વધુ ઉપયોગ અને ટ્રેડિંગ કરતાં દેશોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. શ્રીમંત દેશોને ટાર્ગેટમાં રાખી કૌંભાંડીઓએ ભારતીય ક્રિપ્ટો હોલ્ડર્સના ક્રિપ્ટો ચોર્યા હતા.