ભારતીયો અમેરિકી શેરબજારની જેમ સ્થાનિક કે ઈન્ટરનેશનલ બ્રોકર દ્વારા Bitcoin ETFsમાં રોકાણ કરી શકશે

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ ક્રિપ્ટો માર્કેટને માન્યતા મામલે વિવાદ વચ્ચે અમેરિકી સિક્યુરિટી એક્સચેન્જ કમિશન (US SEC) દ્વારા ગઈકાલે 12 બિટકોઈન ઈટીએફને મંજૂરી મળતાં આજે લિસ્ટેડ બિટકોઈન ઈટીએફમાં 4.6 અબજ ડોલરના વોલ્યૂમ જોવા મળ્યા હતા. મોટાભાગના રોકાણકારો ખાસ કરીને સંસ્થાકીય રોકાણકારોએ બિટકોઈન, ઈથેરિયમ જેવી ક્રિપ્ટો કરન્સીમાંથી રોકાણ પાછું ખેંચી બિટકોઈન ઈટીએફમાં રોકાણ વધાર્યુ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

એનાલિટિકલ પ્લેટફોર્મ સેન્ટિમેન્ટ અનુસાર, ક્રિપ્ટો સ્પેસમાં પ્રવર્તી રહેલા તેજીના માહોલ વચ્ચે ટ્રેડર્સ હવે પોતાનુ ફોકસ ક્રિપ્ટો સ્પેસમાંથી બિટકોઈન ઈટીએફ તરફ વધારી રહ્યા છે. બિટકોઈન ટ્રેડર્સે તેમના વોલેટ્સમાંથી રોકાણ પાછું ખેંચી બિટકોઈન ETF તરફ ડાયવર્ટ કર્યું છે. 2024ની શરૂઆતથી સક્રિય વૉલેટની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ડેટા મુજબ, સક્રિય વૉલેટની સંખ્યા 49.4K થી ઘટીને 46.5K થઈ છે, જ્યારે વૉલેટમાં ટોકન્સની સંખ્યા 53.21 મિલિયનથી ઘટીને 52.64 થઈ છે. જે માત્ર થોડા દિવસોમાં લગભગ 40,000 BTCનો ઘટાડો સૂચવે છે. બીજી બાજુ, Coinbaseએ છેલ્લા કેટલાક કલાકોમાં OTC ટ્રાન્સફરમાં $7 અબજ કરતાં વધુ રેકોર્ડ નોંધ્યા છે.

શું ભારતીય રોકાણકાર ઈટીએફમાં રોકાણ કરી શકશે?

ભારતીય રોકાણકારો અમેરિકી શેર માર્કેટની જેમ US ETFsમાં સીધુ જ સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીય બ્રોકર મારફતે ખરીદી શકે છે ઘણા ન્યૂ એજના સ્ટોક બ્રોકર્સ પણ યુએસ સ્ટોક્સ અને ઇટીએફની સરળ ઍક્સેસ આપે છે. નોંધનીય છે કે સ્ટોક્સ અને ETFમાં વિદેશી રોકાણ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) દ્વારા સંચાલિત થાય છે, જે હેઠળ ભારતીય રોકાણકારો $250,000 સુધીનું રોકાણ કરી શકે છે, જે US ETF પર પણ લાગૂ થશે. LRS માર્ગદર્શિકા મુજબ યુએસ શેરબજાર અથવા કોઈપણ વિદેશી બજારમાં ટ્રેડિંગ માટે રેમિટન્સ પ્રતિબંધિત છે. જો કે, અમેરિકી શેરો અને યુએસ બિટકોઈન ઈટીએફમાં ભારતીય ટ્રેડર્સ ટ્રેડિંગ કરી શકશે નહીં.

બિટકોઈન ETF  પર કર લાભો

ઇક્વિટી ફંડ્સ, ડેટ ફંડ્સ (વિદેશી મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત), ક્રિપ્ટો અસ્કયામતો અને LRS દ્વારા વિદેશી રોકાણો પર મૂડી લાભ માટે વિવિધ ભારતીય કરવેરા જોગવાઈઓ છે. ભારતમાં, ક્રિપ્ટો અસ્કયામતોમાંથી ઉદ્ભવતા મૂડી લાભો પર 30 ટકાના દરે કર લાદવામાં આવે છે. વધુમાં, એક ક્રિપ્ટોમાંથી થયેલા નુકસાનને બીજાના નફા સામે સમાયોજિત કરી શકાતું નથી અને ભવિષ્યના વર્ષોમાં નુકસાનને આગળ વધારવાની મંજૂરી નથી. ઇક્વિટી અને ઇક્વિટી ફંડ્સથી તદ્દન વિરૂદ્ધ કરવેરા જોગવાઈ છે.

વધુમાં, સ્થાનિક ક્રિપ્ટો એક્સચેન્જો પર ડિજિટલ અસ્કયામતોના દરેક ટ્રાન્સફર પર 1 ટકા ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) લાગુ પડે છે. આ કરવેરા નિયમો ફાઇનાન્સ એક્ટ 2022 સાથે લાગુ કરવામાં આવ્યા હતા, જેમાં કલમ 115BBH રજૂ કરવામાં આવી હતી. જો કે, બિટકોઈન ઈટીએફ પર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર લાગૂ થતો 1 ટકા TDS લાગૂ થશે નહીં. કારણકે, તેમાં કોઈ વાસ્તવિક ક્રિપ્ટોની ખરીદી થઈ રહી નથી. અને કેપિટલ ગેઈન પણ ઓછો રહેશે.

LRS રૂટ હેઠળ, ટૂંકા ગાળા માટે (36 મહિનાથી ઓછા), સ્પોટ બિટકોઇન ETFમાંથી ઉદ્ભવતા મૂડી લાભ પરના કરનો દર તમારા ટેક્સ સ્લેબ પર નિર્ભર રહેશે, અને લાંબા ગાળાના મૂડી લાભનો દર ઇન્ડેક્સેશન સાથે 20 ટકા હશે. જે બિટકોઈન અને ક્રિપ્ટો રોકાણ માટે લાગૂ 30 ટકા ટેક્સ રેટથી ઓછો છે.

ડિજિટલ એસેટ એક્સચેન્જ BuyUcoinના CEO શિવમ ઠકરાલે જણાવ્યું હતું કે, “SEC જેવી મોટી વૈશ્વિક નાણાકીય નિયમનકારી દ્વારા મંજૂર કરાયેલ બિટકોઇન ઈટીએફ નાણાકીય ઉત્પાદન ડિજિટલ અસ્કયામતોમાં ઘણી વિશ્વસનીયતા ઉમેરશે જે સંસ્થાકીય રોકાણકારોમાં વિશ્વાસ પેદા કરશે.”