50%થી વધુ મહિલાઓ નાણાકીય નિર્ણયો જાતે લઈ શકતી નથી
ગોલ્ડ, એફડી, પીપીએફમાં મૂડીરોકાણ મહિલાઓનું વિશેષ આકર્ષણ
- રોકાણ માટે પરિવાર પર નિર્ભર રહે છે ભારતીય મહિલાઓ
- 33 ટકા મહિલાઓ કોઈપણ પ્રકારનું રોકાણ કરતી નથી
- 55 ટકા મહિલાઓ સ્વતંત્ર રીતે નાણાકીય નિર્ણયો લઈ શકતી નથી
- 78% મહિલાઓ તેની આવકના 20% કરતાં ઓછી બચત કરે છે
- 7% મહિલાઓ રિસર્ચ બાદ સ્વતંત્રપણે રોકાણ કરે છે
- 59% મહિલાઓ પાસે કોઈપણ પ્રકારનો વીમો નથી
- 92% મહિલાઓ નાણાકીય રોકાણની વેબસાઇટની મુલાકાત લેતી નથી
- 01% મહિલાઓ નિવૃત્તિ માટે રોકાણ કરી રહી છે
દેશના કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીની કમાન મહિલાના હાથમાં સોંપવામાં આવી છે. પરંતુ રોકાણની બાબતોમાં હજી પણ ભારતીય મહિલાઓની ભાગીદારી ઘણી ઓછી છે. દેશની અડધી મહિલાઓ બિલકુલ રોકાણ કરતી નથી અથવા તેમના નામે રોકાણ હોવા છતાં તેની કોઈ માહિતી ધરાવતી નથી. જે મહિલાઓ રોકાણ કરે છે, તેમની પ્રથમ પસંદગી ફિક્સ ડિપોઝિટ, સોનું અને પીપીએફ જેવા વિકલ્પો છે, જે સુરક્ષિત છે, પરંતુ રિટર્ન ઓછું આપે છે. 78 ટકા મહિલાઓ તેમની આવકના 20 ટકાથી ઓછી બચત કરે છે, 56 ટકા મહિલાઓ 10 ટકાથી ઓછી બચત કરે છે. મહિલાઓ માટેના ફાઈનાન્સિયલ પ્લેટફોર્મ, વુમન એન્ડ મની પાવર, 2022ના સર્વે રિપોર્ટ મુજબ, 14 ટકા ઉપરાંત, 50 ટકા બિન-કાર્યકારી મહિલાઓ કૌટુંબિક આવકના 6-20 ટકા જેટલી બચત કરે છે, જ્યારે કામ કરતી મહિલાઓમાં આ પ્રમાણ 45 ટકા છે. રોકાણના સંદર્ભમાં સોના અને એફડી એ મહિલાઓની પ્રથમ પસંદગી છે. આ ઉપરાંત, તેઓ PPF અને ચીટ ફંડમાં પણ રોકાણ કરવાનું પસંદ કરે છે. સર્વેમાં વિવિધ વય જૂથ અને જુદુ-જુદુ જીવનધોરણ ધરાવતી 4,000થી વધુ મહિલાઓને આવરી લેવામાં આવી હતી.
મહિલાઓને રોકાણના નિર્ણય અંગે ખાતરી નહીં
ભારતીય મહિલાઓ નાણા સંબંધિત નિર્ણયો લેતા ખચકાટ અનુભવે છે. અપૂરતી માહિતી તેમજ પુરૂષ પ્રધાન કુંટુંબમાં આજે પણ નાણાકીય નિર્ણયો પુરૂષ લઈ રહ્યા છે. મની મેનેજમેન્ટમાં પાવરધા હોવા છતાં મહિલાઓ રોકાણ કરતાં ડરે છે. કૌટુંબિક રોકાણ અથવા મોટી ખરીદીમાં તેમની ભાગીદારી ઓછી છે. મહિલાઓએ પોતાને રોકાણ અને નાણા સંબંધિત બાબતોમાં સશક્ત અને સક્ષમ બનાવવી જોઈએ. – પ્રીતિ રાઠી ગુપ્તા, ફાઉન્ડર, LXME