ડોલર સામે રૂપિયો 60 પૈસા ગગડી 77.50ની નવા તળિયે
રૂપિયો બે ટ્રેડિંગ સેસનમાં 115 પૈસા તૂટ્યો
વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી મોંઘવારીની સીધી અસર કરન્સી માર્કેટ પર પડી રહી છે. ફુગાવા સામે લડવા માટે વિશ્વની મોટા ભાગની સેન્ટ્રલ બેન્કોએ વ્યાજદરમાં ઝડપી વધારાની શરૂઆત કરી છે જેની સીધી અસર કરન્સી માર્કેટ પર પડી છે. વ્યાજદરમાં વધારાના કારણે યુએસ યિલ્ડમાં સતત મજબૂતી રહી છે જેના કારણે ડોલર ઇન્ડેક્સ ઉંચકાઇ 104ની સપાટી કુદાવી ચૂક્યો છે જેના પરિણામે આજે મોટાભાગના દેશોની કરન્સી તૂટી હતી. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સપ્તાહની શરૂઆતમાં વધુ 60 પૈસા ગગડી 77.50ની નવી નીચી સપાટી પર બંધ રહ્યો છે. ઇન્ટ્રા-ડે ખાતે શરૂઆતમાં 77ની સપાટી ઉપર જ 77.17 પર ખૂલ્યો હતો જે તૂટી 77.52 પહોંચ્યા બાદ અંતે 60 પૈસા ઘટીને 77.50 પર બંધ રહ્યો હતો. છેલ્લા બે ટ્રેડિંશ સેશનમાં ડોલર સામે રૂપિયો 115 પૈસા તૂટ્યો છે. છેલ્લે 8 માર્ચના રોજ રૂપિયો નબળો પડી 77ના નીચલા સ્તરે બંધ રહ્યો હતો. ભારતીય રૂપિયો સ્પોટ રેકોર્ડ નીચી સપાટીએ ગબડ્યો છે. મજબૂત ડોલર ઇન્ડેક્સ અને યુ.એસ.માં વધતી ટ્રેઝરી યીલ્ડ વચ્ચે એશિયન માર્કેટમાં નબળાઈને ટ્રેક કરી રહ્યાં છે.
આ સેક્ટરને નુકસાન.
- ક્રૂડ, ફર્ટિલાઈઝર-કેમિકલ, કેપિટલ ગુડ્સ અને ઈલેક્ટ્રોનિક ગુડ્સનું આયાત બિલ વધશે.
- વિદેશ પ્રવાસ,વિદેશમાં અભ્યાસ માટે ડોલર પાછળ વધુ રૂપિયા ખર્ચવા પડશે.
- જે લોકો વિદેશથી ડોલર મોકલે છે તેમને તેના બદલે રૂપિયામાં વધુ પૈસા મળશે.
આ સેક્ટરને ફાયદો
– ડોલરમાં વિદેશથી IT કંપનીઓની આવક વધશે.
– ફાર્મા, ટેક્સટાઈલ કંપનીઓ પણ ડોલરના હિસાબે કમાણી કરશે.
વિવિધ દેશોની કરન્સી સ્થિતી
દેશ | કરન્સી | તફાવત |
ડોલર | 77.50 | -0.60 |
પાઉન્ડ | 95.61 | -0.64 |
કેનેડિયન ડોલર | 59.94 | -0.18 |
યુરો | 81.66 | -0.49 |
સ્વિસ ફ્રાંક | 78.03 | -0.21 |
જાપાનીઝ યેન | 0.59 | – |
ચાઇનીઝ યુઆન | 11.53 | +0.01 |
ઓસ્ટ્રે.ડોલર | 54.33 | +0.14 |