વીરહેલ્થ કેરનું 1 શેરે 1 શેર બોનસ, રેકોર્ડ તા.22 સપ્ટેમ્બર
મુંબઇ, 13 સપ્ટેમ્બરઃ આયુર્વેદિક, હર્બલ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના વ્યવસાય સાથે સંકળાયેલી કંપની વીરહેલ્થ કેર લિમિટેડે 1 શેર ઉપર એક શેર બોનસ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ સૂચિત હેતુ માટેની રેકોર્ડ તારીખ 22 સપ્ટેમ્બર નક્કી કરી છે. 14 ઓગસ્ટ, 2023ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં કંપનીએ 1:1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેરના ઇશ્યૂને મંજૂરી આપી છે બોર્ડે કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 21 કરોડથી વધારીને રૂ. 31 કરોડ કરવાની પણ મંજૂરી આપી છે. કંપનીની વાર્ષિક સામાન્ય સભા 11 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાઈ હતી.
કંપની સ્કિનકેર, બોડીકેર, હેરકેર, ઓરલકેર, હેલ્થકેર અને ફ્રેગરન્સમાં 100થી વધુ હર્બલ અને આયુર્વેદિક પ્રોડક્ટ્સનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે. કંપનીની બ્રાન્ડ ‘આયુવીર’ અને તેનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ સ્થાનિક અને નિકાસ બજારોમાં છે. કંપનીએ અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં નિકાસ શરૂ કરી છે. કંપનીના ક્લાયન્ટમાં દવા ઈન્ડિયા, ગ્રેસિયસ ફાર્મા, બાબુલિન, ગ્રેસિયેરા ફાર્મા, અપોલો ફાર્મસી વગેરેનો સમાવેશ થાય છે.
વીરહેલ્થકેર કેર લિમિટેડે નાણાંકીય વર્ષ 2023માં વ્યવસાયિક કામગીરીને સફળતાપૂર્વક પરિવર્તન કર્યું છે અને વૃદ્ધિના આગલા તબક્કા તથા આવક અને નફામાં વિશાળ છલાંગ લગાવવા માટે તૈયાર છે. નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ કુલ આવકમાં વાર્ષિક ધોરણે 28% અને ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 294% ની વૃદ્ધિ નોંધાવી છે.
માર્ચ 2023ના મહિનામાં, કંપનીએ રૂ. 10ના દરેક એવા 30.65 લાખ ઇક્વિટી શેર, દરેક શેર દીઠ રૂ. 19.25ના દરે પ્રેફરન્શિયલ એલોટમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જેમાં શેર દીઠ રૂ. 9.25ના પ્રીમિયમનો સમાવેશ થાય છે અને કુલ રકમ રૂ. 5.90 કરોડ થાય છે. આ ભંડોળનો ઉપયોગ કંપનીની ઉત્પાદન સુવિધાઓના વિસ્તરણ, નવી પ્રોડક્ટ લોન્ચ કરવા અને નવી મેન્યુફેક્ચરિંગ લાઇન્સ સ્થાપવા માટે કરવામાં આવી રહ્યો છે.
કંપનીનો શેર 2023માં બમણો વધ્યોઃ કંપનીનો શેર જાન્યુઆરી-23ની શરૂઆતમાં રૂ. 23 આસપાસ રમતો હતો તે સતત સુધારા સાથે વધી રૂ. 41.85ની સપાટીએ છેલ્લે બંધ રહ્યો હતો.