હાઇ-ગ્રીન કાર્બનનો SME IPO 21 સપ્ટેમ્બરે, પ્રાઇસબેન્ડ રૂ. 71-75
14 સપ્ટેમ્બર: રાજકોટ સ્થિત રાધે ગ્રૂપ ઓફ એનર્જીની હાઇ-ગ્રીન કાર્બન લિમિટેડનો SME IPO તા. 21 સપ્ટેમ્બરે ખૂલી રહ્યો છે. પ્રાઇસબેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 71-75 જાહેર કરી છે, જે એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થશે. IPO 25 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. એન્કર પોર્શન બુધવારે, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે.
કંપની બુક-બિલ્ડિંગ રૂટથી 70.40 લાખ ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર મૂળ કિંમત રૂ. 10) ઓફર કરશે, જેમાં 59.90 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને 10.50 લાખ ઇક્વિટી શેર્સના ઓફર ફોર સેલ સામેલ છે. પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપનું પ્રી-IPO શેરહોલ્ડિંગ 100 ટકા છે, જે ઇશ્યૂ બાદ ઘટીને 71.83 ટકા થઇ જશે.
હાઇ-ગ્રીન કાર્બન લિમિટેડ ગુજરાતના રાજકોટ સ્થિત રાધે ગ્રૂપ એનર્જીનો હિસ્સો છે તથા તેને વર્ષ 2011માં અમિતકુમાર હસમુખરાય ભાલોડી અને ડો. શૈલેષભાઇ માકડિયા પરિવાર દ્વારા પ્રમોટ કરાઇ હતી. કંપની વેસ્ટ ટાયર રિસાઇકલિંગના બિઝનેસમાં કાર્યરત છે. મુખ્ય પ્રોડક્ટ્સમાં રો મટિરિયલ કેટેગરી હેઠળ રિકવર્ડ કાર્બન બ્લેક (આરસીબી) અને સ્ટીલ વાયર્સ, એનર્જી કોમ્પોનન્ટ્સ કેટેગરી હેઠળ ફ્યુઅલ ઓઇલ અને સિન્થેસિસ ગેસ સામેલ છે. કંપની પાસે રાજસ્થાનના ભીલવાડામાં 56,500 ચોરસ મીટર વિસ્તારમાં 100 ટીપીડી મોર્ડન, એકીકૃત અને સંપૂર્ણ ઓટોમેટેડ ઉત્પાદન સુવિધા છે.
કંપનીની નાણાકીય કામગીરીઃ 31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થયેલાં વર્ષ માટે હાઇ-ગ્રીન કાર્બને કુલ રૂ. 79.03 કરોડની આવક નોંધાવી છે, જે માર્ચ, 2022માં રૂ. 51.13 કરોડ હતી. 31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થયેલાં વર્ષ માટે ચોખ્ખો નફો રૂ. 10.49 કરોડ નોંધાયો છે, જે 31 માર્ચ, 2022 દરમિયાન રૂ. 3.68 કરોડ હતો.
ઇશ્યૂ મારફત એકત્રિત ફંડનો ઉપયોગઃ કંપની પ્રારંભિક જાહેર ભરણામાંથી એકત્રિત ભંડોળનો ઉપયોગ મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં નવી સુવિધા સ્થાપવા માટે કરશે, જેની દૈનિક રિસાઇકલિંગ ક્ષમતા 100 એમટી વેસ્ટ ટાયર્સ રહેશે. કંપનીએ પ્રોજેક્ટ માટે 21,500 ચોરસ મીટર જમીન પહેલેથી જ સંપાદિત કરી છે. નવો પ્રોજેક્ટ સ્થાપવા ઉપરાંત શેર્સના ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત રકમનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે.
લીડ મેનેજર્સઃ બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઓફરના બુક-રનિંગ લીડ મેનેજર છે તથા લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઓફરના રજીસ્ટ્રાર રહેશે.