મિરર ઇમેજ!:નિફ્ટી માટે 15હજાર, સેન્સેક્સ માટે 51હજાર મુખ્ય આધાર
- સેન્સેક્સઃ 19 ઓક્ટોબર-2021ની 62245 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી 10749 પોઇન્ટ (21 ટકા)નું જંગી ગાબડું
- નિફ્ટીઃ 19 ઓક્ટોબર-21ની 18604 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી 3244 પોઇન્ટ (21 ટકા)નો જંગી કડાકો
- BSE Mcap: 17 જાન્યુઆરીના રોજની 280.02 લાખ કરોડની સપાટીથી રૂ. 50.81 લાખ કરોડનું ધોવાણ
જગત જમાદારીની છાપ ધરાવતાં અમેરીકાએ ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્રો અને શેરબજારોને ડારો દીધો છે. 41 વર્ષની ટોચે પહોંચેલા ફુગાવાને ડામવા તેણે વૈશ્વિક ઇક્વિટી માર્કેટ્સ ઉપર વ્યાજ વધારાની મિસાઇલો દાગી છે. ફેડ રિઝર્વે વ્યાજદરમાં 75 બીપીએસનો વધારો કરતાં વૈશ્વિક શેરબજારો ધરાશાયી થઇ રહ્યા છે. તેની પાછળ ભારતીય શેરબજારોમાં પણ આજે સેન્સેક્સ- નિફ્ટીએ બે ટકાનો ઘટાડો નોંધાવવા સાથે વર્ષની સૌથી નીચી સપાટીઓ નોંધાવી છે. એટલું જ નહિં, સેન્સેક્સે તેની 62245 પોઇન્ટની સર્વાચ્ચ સપાટીથી 10749 પોઇન્ટ અને નિફ્ટી-50એ તેની 18604 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએથી 3244 પોઇન્ટની આહુતિ આપતાં બીએસઇ માર્કેટકેપમાં પણ 280.02 લાખ કરોડમાંથી રૂ. 50.81 લાખ કરોડના સ્વરૂપમાં રોકાણકારોની મૂડી સ્વાહા થઇ ગઇ છે. નિફ્ટી-50 અને સેન્સેક્સ હવે મિરર ઇમેજમાં આવી ગયા છે. અર્થાત્ 15 હજાર અને 51 હજાર….. બન્ને આ સપાટીઓ નહિં જાળવે તો માર્કેટમાં મોટી ખુવારીની દહેશત ડોકાઇ રહી છે.
નિફ્ટી માટે હવે નેસ્ક્ટ સપોર્ટ 15000 અને 14800 પોઇન્ટ હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવી રહ્યા છે
માર્કેટને સૌથી મોટો અંતરાય જે જો કોઇ નડ્યો હોય તો ફેડનો વ્યાજ વધારો ગણાવાય છે. ત્યારપછી એવી પણ દહેશત સેવાય છે કે, આરબીઆઇ પણ વ્યાજદરમાં આક્રમક વધારો કરી શકે છે. તેની પાછળ સાપ્તાહિક એક્સપાયરી ડે પર બજારોમાં ઘટાડો થયો અને નબળા વૈશ્વિક સંકેતોને ટ્રેક કરીને 2%થી વધુનો ઘટાડો થયો. શરૂઆતમાં, યુએસ ફેડ દ્વારા દરમાં વધારાની પ્રતિક્રિયામાં બેન્ચમાર્ક તેજી સાથે ખુલ્યો હતો, જે અપેક્ષા મુજબ આવ્યો હતો. જો કે, તે લાંબા સમય સુધી ટકી શક્યો નહોતો અને ઘટાડાની શરૂઆત થવા સાથે સાપ્તાહિક એક્સપાયરી ડે પર માર્ચના નીચા સ્તરે એટલે કે નિફ્ટીમાં 15,670ના સ્તરના તૂટવાથી દબાણમાં વધારો થયો. પરિણામે, નિફ્ટી ઇન્ડેક્સ દિવસના નીચા સ્તરે 15,360ની આસપાસ સ્થિર થયો હતો. તમામ સેક્ટોરલ પૈકી મેટલ અને મીડિયા શેરો ખરાબ રીતે ધોવાઇ ગયા. નિફ્ટીમાં 15,650ની નીચે નિર્ણાયક બ્રેકડાઉન પછી, આગામી મુખ્ય સપોર્ટ ઝોન 14,800-15,000 ઝોનની આસપાસ અસ્તિત્વમાં છે. રિવર્સલના કેટલાક નિર્ણાયક સંકેત ન દેખાય ત્યાં સુધી હળવા રહેવું અને તે મુજબ સ્થિતિને સંરેખિત કરવી હિતાવહ જણાય છે.
વિવિધ બ્રોકરેજ હાઉસની નજરે નિફ્ટી માટેના નેક્સ્ટ સપોર્ટ લેવલ્સ
બ્રોકરેજ હાઉસ | સપોર્ટ |
પ્રશાંત તાપસે, મેહતા ઇક્વિટીઝ | 15000- 14800 |
શશીકાંત ચૌહાણ, કોટક સિક્યુ. | 15100- 15000 |
અજિત મિશ્રા, રેલિગેર સિક્યુ. | 14800-15000 |
નાગરાજ શેટ્ટી, HDFC સિક્યુ. | 15000-14800 |
દીપક જસાણી, HDFC સિક્યુ. | 15315 |
સેન્સેક્સ, મિડકેપ ઉપરાંત 6 સેક્ટોરલ્સ વર્ષના તળિયે
INDEX | 52WL | Close | Diff.-% |
Sensex | 51425 | 51496 | -1.99 |
Nifty | 15335 | 15361 | -2.11 |
Midcap | 21411 | 21441 | -2.34 |
Finance | 6973 | 6986 | -2.26 |
Healthcare | 21313 | 21348 | -1.75 |
IT | 27480 | 27543 | -2.48 |
CD | 34596 | 34714 | -2.32 |
Metal | 15842 | 15896 | -5.48 |
TECK | 12519 | 12551 | -2.51 |
ઓલ ટાઇમ હાઇથી સેન્સેક્સ, માર્કેટકેપ, નિફ્ટીમાં જંગી ઘટાડો
વિગત | AH | last | Diff.(-) | Diff(-%) |
સેન્સેક્સ | 62245 | 51496 | -10749 | -21 |
માર્કેટકેપ* | 280.02 | 239.21 | -50.81 | -21.26 |
નિફ્ટી | 18604 | 15360 | -3244 | -21 |
*આંકડા રૂ. લાખ કરોડમાં દર્શાવે છે.