SME IPO Listing: ક્વોલિટેક લેબ્સના એસએમઈ આઈપીઓમાં રોકાણકારોની મૂડી ડબલ, 5 ટકા અપર સર્કિટ
અમદાવાદ, 29 જાન્યુઆરીઃ નવી દિલ્હી સ્થિત 2018માં સ્થાપિત ક્વોલિટેક લેબ્સ લિમિટેડના એસએમઈ આઈપીઓએ આજે બમ્પર પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોની મૂડી ડબલ કરી છે. બીએસઈ એસએમઈ (BSE SME) ખાતે ક્વોલિટેક લેબ્સ (Qualitek Labs IPO)ના આઈપીઓએ રૂ. 100ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 190ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું હતું.
એસએમઈ આઈપીઓ 90 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયાની થોડી જ ક્ષણોમાં 99.50 ટકા ઉછળી 199.50ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. ક્વોલિટેક લેબ્સે આઈપીઓ હેઠળ રૂ. 19.64 કરોડ એકત્ર કર્યા હતાં. ગ્રે માર્કેટમાં ક્વોલિટેક લેબ્સના આઈપીઓ માટે રૂ. 60 (60 ટકા) પ્રીમિયમ નોંધાયા હતા. જેના ગ્રે સબ્જેક્ટ વાયદા પણ રૂ. 50000 આસપાસ હતા.
ક્વોલિટેક લેબ્સનો ઈશ્યૂ કુલ 58.95 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ 39.23 ગણી અરજી કરી હતી. જ્યારે અન્ય પોર્શન 69.37 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. કંપનીની આવક અને ચોખ્ખો નફો છેલ્લા 3 નાણાકીય વર્ષમાં સતત વધ્યા છે. કંપની પર 30 સપ્ટેમ્બર, 2023 સુધી કુલ રૂ. 2499.59 કરોડનું દેવુ હતું.
કંપની ટેસ્ટિંગ, ઈન્સ્પેક્શન, હોમોલોગેશન, સર્ટિફિકેશન, અને કન્સલ્ટિંગ સર્વિસિઝ પૂરી પાડે છે. કંપનીની લેબોરેટરી સર્વિસમાં ઓટોમોટિવ ટેસ્ટિંગ, ડિફેન્સ પ્રોડક્ટ ટેસ્ટિંગ, મેટલ્સ ટેસ્ટિંગ, મિનરલ ટેસ્ટિંગ અને એન્વારમેન્ટ એન્ડ વોટર ટેસ્ટિંગની સુવિધાઓ ઉપલબ્ધ છે. જેના પ્રમોટર આલોક કુમાર અગ્રવાલ, અંતરયામી નાયક, કમલ ગ્રોવર અને ટીઆઈસી સર્વિસિઝ પ્રા.લિ. લિસ્ટિંગ બાદ 73.35 ટકા હોલ્ડિંગ ધરાવે છે.
કંપની આઈપીઓ હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ નવી અને હાલની પ્રયોગશાળાઓ માટે પ્લાન્ટ અને મશીનરીની સ્થાપના અને પ્રયોગશાળાઓના વિસ્તરણ, પ્રમોટરોને અસુરક્ષિત લોનની ચુકવણી અને કાર્યકારી મૂડીની જરૂરિયાતોના ભંડોળ માટે મૂડી ખર્ચને ભંડોળ આપવા માટે કરશે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે.