Sensex Nifty50 All Time High: સેન્સેક્સ-નિફ્ટી સર્વોચ્ચ સ્તરે, 701 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ જ્યારે 167 શેરો વર્ષની ટોચે
અમદાવાદ, 1 એપ્રિલઃ સેન્સેક્સ અને નિફ્ટીએ નવા સપ્તાહની શરૂઆત પોઝિટીવ નોટ સાથે કરવાની સાથે રેકોર્ડ ટોચ નોંધાવી છે. સેન્સેક્સ છેલ્લા બંધ સામે 603.27 પોઈન્ટ ઉછળી 74254.62ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. નિફ્ટી50એ પણ 22529.95 પોઈન્ટની રેકોર્ડ ટોચ નોંધાવી છે. બીએસઈ ખાતે 166 શેરો આજે વર્ષની ટોચે પહોંચ્યા છે. જ્યારે 684 શેરોમાં અપર સર્કિટ વાગી છે. આ સાથે રોકાણકારોની મૂડીમાં 5 લાખ કરોડનો વધારો નોંધાયો છે.
શેરબજારમાં ઉછાળા પાછળનું કારણ ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા સાથે વિદેશી રોકાણ વધવાની શક્યતા છે. તેમજ ભારતીય અર્થતંત્ર પણ મજબૂત વૃદ્ધિ સાથે વિકસી રહ્યું છે. જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસિઝના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે જણાવ્યું હતું કે, નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે માર્કેટમાં બુલિશ ટ્રેન્ડ જોવા મળ્યો છે. માર્ચ એન્ડિંગ પૂર્ણ થયા બાદ નવા વર્ષે નવા રોકાણો સાથે રોકાણકારો સજ્જ બન્યા છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં અપવર્ડ મોમેન્ટમ જોવા મળ્યો છે. બીજી બાજુ મ્યુચ્યુઅલ ફંડ્સની સ્મોલકેપ સ્કીમમાંથી રિડમ્પશનના કારણે લાર્જકેપમાં રોકાણ પ્રવાહ વધ્યો છે. પરિણામે સેન્સેક્સ અને નિફ્ટી આધારિત શેરોમાં તેજી જોવા મળી છે. નિફ્ટી50નો સપોર્ટ 22000 છે. આગામી સપ્તાહમાં 22700નો ટાર્ગેટ હાંસલ કરશે.
સુધારો | ઘટાડો |
3208 | 676 |
52 વીક હાઈ | 52 વીક લો |
167 | 54 |
અપર સર્કિટ | લોઅર સર્કિટ |
701 | 201 |
ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય તમામ ઈન્ડેક્સમાં તેજી
સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય તમામ ઈન્ડેક્સમાં તેજી રહી છે. ઓટો શેરોમાં પણ ઉછાળા બાદ પ્રોફિટ બુકિંગ વધતાં ઈન્ડેક્સ નેગેટિવ થયો હતો. આજે ઓટો, ઈન્ડસ્ટ્રીયલ, સીડી, ટેલિકોમ્યુનિકેશન્સ, કેપિટલ ગુડ્સ, મેટલ, પાવર, રિયાલ્ટી, સર્વિસિઝ ઈન્ડેક્સ પણ વાર્ષિક ટોચે પહોંચ્યા હતા. સ્મોલ કેપ અને મીડકેપ શેરો સુધર્યા છે. સ્મોલકેપ સેગમેન્ટમાં શેરો આજે 20 ટકા સુધી ઉછાળ્યા છે.
શેરબજાર આઉટલૂક
આગામી 3થી 5 એપ્રિલ દરમિયાન આરબીઆઈની મોનેટરી પોલિસી બેઠક યોજાવાની છે. જેમાં વ્યાજદરો જળવાઈ રહેવાની અપેક્ષા અર્થશાસ્ત્રીઓ આપી રહ્યા છે. વધુમાં લોકસભા ચૂંટણી પણ મહિનાના અંતે શરૂ થશે. જેમાં અપેક્ષિત પરિણામો મળવાની શક્યતા સાથે બજારમાં ખરીદી વધી શકે છે.
નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે બેન્કિંગ અને આઈટી કંપનીઓ પર ફોકસ રાખવા સલાહ છે. દરેક તેજીના અંતરાલમાં એક કરેક્શન મોડ જોવા મળતો હોય છે. જે રોકાણકારોને નીચા વેલ્યૂએશન સાથે ખરીદી કરવાની તક આપે છે. લાર્જકેપ શેરો હાલ ટ્રેન્ડમાં છે.
નિફ્ટી50માં 22,700-23,000 તરફ આગળ વધવા માટે 22,350-22,410નું લેવલ જાળવવુ અત્યંત જરૂરી છે. ડાઉનસાઇડ પર, 22,200 તેમજ 22,050નો સપોર્ટ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)