અમદાવાદ, 3 એપ્રિલઃ અમેરિકન બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે તેની ફોર્બ્સ વર્લ્ડ બિલિયોનર્સ લિસ્ટ 2024 લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં ભારતીય ધનિકોની સંખ્યા ગતવર્ષે 169થી વધી 200 થઈ છે. આ ભારતીય ધનિકોની સંપત્તિ પણ 41 ટકા વધી 954 અબજ ડોલર થઈ છે. જે 2023માં 675 અબજ ડોલર હતી.

ફોર્બ્સના ધનિકોની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી 116 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોચના ધનિક છે. જેમની સંપત્તિ ગતવર્ષે 83 અબજ ડોલર સામે 39.76 ટકા વધી છે. આ સાથે તેઓ 100 અબજ ડોલરના ક્લબમાં સામેલ થનારા પ્રથમ એશિયન છે. વિશ્વના ધનિકોની યાદીમાં અંબાણી નવમાં અને ભારત તથા એશિયાના ટોચના અબજોપતિ છે.

ભારતના ટોચના 10 ધનિકો

અબજોપતિનેટવર્થ
મુકેશ અંબાણી116 અબજ ડોલર
ગૌતમ અદાણી84 અબજ ડોલર
શિવ નાદર356.9 અબજ ડોલર
સાવિત્રી જિંદાલ33.5 અબજ ડોલર
દિલિપ સંઘવી26.7 અબજ ડોલર
સાયરસ પુનાવાલા21.3 અબજ ડોલર
કુશલ પાલ સિંહ20.9 અબજ ડોલર
કુમાર બિરલા19.7 અબજ ડોલર
રાઘાકિશન દામાણી17.6 અબજ ડોલર
લક્ષ્મી મિત્તલ16.4 અબજ ડોલર

અદાણી ગ્રુપના ગૌતમ અદાણી બીજા ક્રમે

ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી ભારતના બીજા સૌથી વધુ ધનિક બન્યા છે. જેઓ 84 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે. અગાઉ ગૌતમ અદાણી એશિયા અને ભારતના પ્રથમ ધનિક બન્યા હતા. પરંતુ હિન્ડેનબર્ગના અહેવાલોના કારણે ગતવર્ષે ગૌતમ અદાણીની સંપત્તિમાં 70 ટકા સુધીનું નુકસાન થયુ હતું.

ભારતની સૌથી વધુ ધનિક મહિલા સાવિત્રી જિંદાલ

જિંદાલ ગ્રુપના સાવિત્રી જિંદાલ ભારતની સૌથી વધુ ધનિક મહિલા છે. જેમની સંપત્તિ છ વર્ષમાં વધી 33.5 અબજ ડોલર સાથે ભારતના ચોથા અબજોપતિ છે. ફોર્બ્સ 2024ની યાદીમાં 25 ભારતીયોએ પ્રથમ વખત પ્રવેશ કર્યો છે. જેમાં નરેશ ત્રેહન (મેદાન્તાના મેનેજિંગ ડિરેક્ટર), રમેશ કુન્હીકન્નન (કાયનેસ ટેક્નોલોજીના મેનેજિંગ ડિરેક્ટર), અને રેણુકા જગતીયાની (લેન્ડમાર્ક ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર)નો સમાવેશ થયો છે. જ્યારે બાયજુ રવિન્દ્રન અને રોહિકા મિસ્ત્રી આ યાદીમાંથી બહાર થયા છે.

વિશ્વના સૌથી ધનિક પદે બર્નાલ્ડ અર્નોલ્ટ યથાવત

બર્નાલ્ડ અર્નોલ્ટ એન્ડ ફેમિલી 222.8 અબજ ડોલર સાથે વિશ્વના સૌથી વધુ ધનિક વ્યક્તિ છે. જ્યારે જેફ બેજોસ 198.7 અબજ ડોલર સાથે બીજા ક્રમે, અને એલોન મસ્ક 190.2 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે.માર્ક ઝુકરબર્ગ 174.4 અબજ ડોલર સાથે ચોથા ક્રમના અબજોપતિ છે.