સેન્સેક્સે 84 હજારનો માઇલસ્ટોન હાંસલ કર્યો, બેન્ક નિફ્ટી નવી ટોચે
મુંબઇ, 22 સપ્ટેમ્બરઃ શુક્રવારે પણ બજાર સતત તેજીના મૂડમાં જોવા મળ્યુ હતુ. સેન્સેક્સે 84 હજારનો વધુ એક માઇલસ્ટોન ક્લીયર કર્યો હતો. નિફ્ટી પણ 2548.25નો નવો વિક્રમી હાઇ દેખાડી 25790.95 બંધ રહ્યો હતો. બેંકીંગ-ફાઇનાન્સના સહારે તેજી આગળ વધી હતી અને મિડકેપ સ્મોલકેપમાં પણ પાછો સળવળાટ સપ્તાહના છેલ્લા દિવસે જોવા મળ્યો હતો. શુક્રવારે બેન્ક નિફ્ટી 53037.60ના આગલાં બંધ સામે 23235.80 ખુલી સવારે 53037.60નું બોટમ બનાવી દિવસના પહેલા તેજીના સ્પેલમાં 53683 આસપાસ ગયા પછી રિએક્શનમાં 53150 સુધી દોઢેકના સુમારે હાયર બોટમ બનાવી બીજા સ્પેલમાં થોડો કોન્સોલીડેટ થયા પછીના ઉછાળામાં ક્લોઝીંગ પહેલાની છેલ્લી દસેક મિનીટમાં 54066.10નો નવો ઐતિહાસિક હાઇ બનાવી અંતે 755.60 પોઇન્ટ્સ, 1.42% વધી 53793.20 બંધ રહ્યો હતો. આમ બેન્ક નિફ્ટી નથી વધતો, નથી વધતોનો કચવાટ પણ આજે શમી ગયો હતો. બીએસઇ ખાતે બેન્કેક્સે પણ 61242.13નો નવું શીખર સર કરી 1.44%ના ગેઇને 60955.12 બંધ આપ્યુ હતુ. બેન્કેક્સના 865 પોઇન્ટ્સના સુધારામાં 545નો ફાળો આઇસીઆઇસીઆઇ બેન્કના 49 પોઇન્ટ્સના સુધારાએ, 271નું કોન્ટ્રીબ્યુશન એચડીએફસી બેન્કના 34 પોઇન્ટ્સના ગેઇને અને 132 પોઇન્ટ્સનું યોગદાન કોટક મહીન્દ્ર બેન્કના રૂ. 34ના સુધારાએ આપ્યું હતુ. પ્રાયવેટ બેન્ક્સના આ દેખાવ સામે જાહેર ક્ષેત્રની બેન્ક એસબીઆઇના શેરે 9 રૂપિયા ઘટીને બેન્કેક્સના 87 પોઇન્ટ્સ ઓછા કર્યા હતા. બેન્કેક્સના 10માંથી છ શેરો સુધર્યા હતા અને 4 ઘટ્યા હતા. નિફ્ટી બેન્કે શુક્રવારે બાવન સપ્તાહનો નવો હાઇ બનાવ્યો તેની સાથે સાથે એના પ્રતિનિધિ શેરોમાંથી એક માત્ર આઇસીઆઇસીઆઇ બેન્કે જ રૂ. 1362.35નો નવો હાઇ બનાવ્યો હતો. કોટક મહીન્દ્ર બેન્ક માત્ર 20 પૈસાના ડીફરન્સે આવો રેકોર્ડ સ્થાપી ન શક્યો. બેંકીંગ શેરોની નબળાઇ-સબળાઇ જાણવા એ શેરોની બાવન સપ્તાહના હાઇથી કેટલા ટકા દૂર છે એનો આધાર લઇ શકાય. સૌથી વધુ 24 ટકા દૂર આઇડીએફસી ફર્સ્ટ બેન્ક બંધ રૂ. 72.82 અને તે પછી અનુક્રમે પીએનબી રૂ. 108.5, 23% દૂર, બેન્ક ઓફ બરોડા રૂ. 235.40, 20% નીચે, બંધન બેન્ક રૂ. 209.87, 19%ના અંતરે , સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા રૂ. 784.5, 12 ટકાના ડીસ્ટન્સે , ઇન્ડ્સ ઇન્ડ બેન્ક રૂ. 1482, 12 ટકાના અંતરે, ફેડરલ બેન્ક રૂ. 185.53, સાડા આઠ ટકા દૂર, એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક રૂ. 730, સવા સાત ટકા નીચે , એક્સીસ બેન્ક રૂ. 1249.95, 6.69% દૂર અને એચડીએફસી બેન્ક રૂ. 1737.20 એના બાવન સપ્તાહના રૂ. 1794ના હાઇથી 2.73% નીચે છે. આગામી દિવસોમાં આમાંથી ક્યો શેર કેટલી ઝડપથી આ દૂરી તય કરી બાવન સ્પતાહના હાઇ પર પહોંચે છે તે જોવું રસપ્રદ નિવડશે. નિફ્ટી ફાઇનાન્સીયલ સર્વીસીસ ઇન્ડેક્સ 385 પોઇન્ટ્સ,1.58% સુધરી 24789.20 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સે પણ 24905.35નો નવો હાઇ ઇન્ટ્રાડેમાં કર્યો હતો. એક્સીસ બેન્કની સબસીડીઅરી એક્સીસ કેપીટલને સેબી તરફથી અમુક કામકાજ કરવા પર પ્રતિબંધ ફરમાવતા ઇન્ટરિમ ઓર્ડર અને તેની બેન્ક અને તેની સબસીડીઅરી પરની સંભવિત અસરને લઇને ખુલાસો એક્સીસ બેન્કે સ્ટોકએક્સચેન્જને મોકલાવ્યો હોવાના સમાચારે શેર રૂ. 1230-1250 વચ્ચે રમી 0.24% વધીને બીએસઇ ખાતે રૂ. 1245.50 રહ્યો હતો. નિફ્ટી મિડકેપ સિલેક્ટ 24.95 પોઇન્ટ્સ,0.19% વધી 13112.50, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 1062.30 પોઇન્ટ્સ, 1.43%ના ગેઇને 75481.85ના સ્તરે વિરમ્યા હતા.
નિફ્ટી 375.15 પોઇન્ટ્સ, 1.48% વધી 25790.95 થઇ ગયો
નિફ્ટી 375.15 પોઇન્ટ્સ, 1.48% વધી 25790.95 થઇ ગયો હતો. નિફ્ટીમાં ટોપ ગેઇનર મહીન્દ્ર એન્ડ મહીન્દ્ર 149 રૂ. વધી 5.32 ટકાના સુધારાએ 2946 બંધ રહ્યો હતો. ગુડગાંવ(ગુરૂગ્રામ)માં ચાલી રહેલી જેફરીઝની ઇન્વેસ્ટર કોન્ફરન્સમાં ગુરૂવારે કંપનીના પ્રતિનિધિઓએ ભાગ લીધો હોવાની જાણ શેરબજારને કરી તેના પગલે આ સુધારો જોવાયો હતો.
બજાજ હાઉસીંગ ફાઇનાન્સમાં ઘટાડો અટક્યો
બજાજ હાઇસીંગ ફાઇનાન્સ શુક્રવારે રૂ. 3.37 સુધરી 163.49 બંધ થયો હતો. રૂ. 150ના ભાવે લીસ્ટીંગ પછી શેરે રૂ. 188.50નો હાઇ બનાવ્યો છે. ખાસ વોલ્યુમ ન હતુ. નિફ્ટીના 44 શેર વધ્યા અને 6 જ ઘટ્યા હતા. ટોપ પાંચ ગેઇનર્સમાં જેએસડબલ્યુ સ્ટીલ 3.69% સુધરી રૂ. 983 થયો હતો. કંપનીની યુએસ સબસીડીઅરી કંપનીએ કારખાનામાં એનર્જી સેવીંગના લક્ષ્ય હાંસલ કર્યાની એક્સચેન્જોને જેએસડબલ્યુ સ્ટીલે જાણ કરી હતી. તે જ રીતે લાર્સન એન્ડ ટૂબ્રો પણ 3% સુધરી નિફ્ટી ટોપ પાંચ ગેઇનર્સમાં હતો. પાંચમા ક્રમે કોલ ઇન્ડીયા 2.84%ના ગેઇન સાથે હતો. નિફ્ટી ફિફ્ટીમાં ટોપ લુઝર ગ્રાસીમ 2.33% ઘટી રૂ. 2675 રહ્યો હતો. એનએસઇના 77માંથી 67 ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. તેમાં સૌથી વધુ 3.05% વધી નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 1101.60 રહ્યો હતો. સુધારામાં તે પછીના ક્રમે ઇન્ડીયા કંઝમ્પ્શન ઇન્ડેક્સ 2.13ના ગેઇન સાથે 12816 બંધ હતો. ઓટો ઇન્ડેક્સ મહીન્દ્ર એન્ડ મહીન્દ્રના સથવારે 1.88% વધી 26394 ના સ્તરે વિરમ્યો હતો.
સેન્સેક્સના 30માંથી 26 અને બેન્કેક્સના 10માંથી 6 શેરો વધ્યા
નિફ્ટીના 50માંથી 44, નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 46, નિફ્ટી બેન્કના 12માંથી 5, નિફ્ટી ફાયેનાન્સીયલ સર્વીસના 20માંથી 15 અને મિડકેપ સિલેક્ટના 25માંથી 14 શેરો સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 26 અને બેન્કેક્સના 10માંથી 6 શેરો વધ્યા હતા. એનએસઇના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2848(2873) ટ્રેડેડ શેરોમાંથી 1853(908) વધ્યા, 924(1885) ઘટ્યા અને 71(80) સ્થિર રહ્યા હોવાથી માર્કેટ બ્રેડ્થમાં સારો એવો સુધારો જોવાયો હતો. બાવન સપ્તાહના નવા હાઇ 122(107) શેરોએ અને નવા લો 37(44) શેરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કીટે 114(78) તો નીચલી સર્કીટે 63(162) શેરો ગયા હતા.
સપ્ટેમ્બરનું આઇપીઓ માર્કેટ 14 વર્ષમાં બિઝીએસ્ટ
આરબીઆઇએ તેના બુલેટીનમાં નોંધ લીધી છે કે સપ્ટેમ્બરમાં કુલ 28 કંપનીઓ બજારમાંથી ભંડોળ ઊભું કરશે તેથી આ સપ્ટેમ્બર 14 વર્ષમાં સૌથી બિઝીએસ્ટ મહીનો પૂરવાર થશે. સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇસીસ (એસએમઇ) આઇપીઓમાં ભારે રસના કારણે આ બજાર ધમધમતું હોવાની નોંધ પણ આરબીઆઇએ લીધી છે. રિઝર્વ બેન્કે અરજદારોને લાગતાં શેરોમાંથી 54 ટકા એકાદ સપ્તાહમાં જ તેઓ વેચી દેતા હોવાની બાબતને ગતિશીલ બજારની નિશાની ગણાવી છે. જોકે લીસ્ટેડ કંપનીઓ મોટા ભાગે ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટનો વિકલ્પ અપનાવતી હોવાથી 2024ના પ્રથમ 8 માસમાં આ રીતે રૂ. 60 હજાર કરોડની માતબર રકમ ઊભી કરીઇ હોવાનું પણ આરબીઆઇએ બુલેટીનમાં જણાવ્યું છે.
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 1 સપ્તાહમાં 48.79 ટકા વધ્યો
અનિલ અંબાણી જૂથની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર સમીક્ષા હેઠળના સપ્તાહમાં 48.79 ટકા સુધર્યો છે. 6ઠ્ઠી સપ્ટેમ્બરે રૂ. 212.57 ક્વોટ થતો હતો એ શુક્રવારે રૂ. 316.29 બંધ રહ્યો હતો. કંપનીએ દેવામાં ઘટાડો કર્યો હોવાના સમાચારે આટલો સુધારો થયો હતો. બોમ્બે સબર્બન ઇલેક્ટ્રીક સપ્લાયને અનિલ અંબાણીએ હસ્તગત કર્યા પછી જાન્યુઆરી 2008ની રૂ. 2641ની ટોચ અને 2020માં રૂ. 8.65ની બોટમ આ શેર જોઇ ચૂક્યો છે.
સંસ્થાકીય રૂ. 14064.05કરોડની નેટ લેવાલી
એફઆઇઆઇની રૂ. 14064.05કરોડની જંગી નેટ લેવાલી સામે ડીઆઇઆઇની રૂ. 4427.08 કરોડની નેટ વેચવાલી રહેતાં એકંદરે રૂ. 9636.97 કરોડની નેટ લેવાલી કેશ સેગ્મન્ટમાં જોવા મળી હતી. બીએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન વધી રૂ. 471.72(465.47) લાખ કરોડ થયુ હતુ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)