અમદાવાદઃ અમદાવાદ ખાતે ગ્રામદીઠ સોનાની કિંમત રૂ. 52000ની સપાટી તોડી નીચામાં રૂ. 51850 રહી હતી. અગાઉ 21 જુલાઈએ સોનું રૂ. 51800 થયુ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી અને વ્યાજદર વધારાના અહેવાલોના પગલે સોનુ ઔંશદીઠ 1700 ડોલરની સપાટી તોડી 1687.35 ડોલરે પહોંચ્યુ હતું. તેની અસર પાછળ સ્થાનિકમાં પણ સોનાના ભાવો સતત ઘટી રહ્યા છે. અમેરિકામાં મોંઘવારીનો દર વધતાં ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી દહેશત વચ્ચે સોના-ચાંદીમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેના કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ બે માસના તળિયે પહોંચ્યો છે. ફેડની બેઠકમાં વ્યાજદરમાં 75થી 100 બેઝિસ પોઈન્ટનો વધારો થવાની ધારણા સેવાઇ રહી છે. તેમજ ડોલર ઈન્ડેક્સ બે દાયકાની ટોચે પહોંચ્યો છે. નિષ્ણાતો અને માર્કેટ પંડિતોની ધારણા અનુસાર સોના માટે આગામી સપોર્ટ લેવલ 1620-1680 છે. જે તૂટે તો સ્થાનિક બજારમાં પણ સોનુ રૂ. 50000 આસપાસ જઇ શકે છે.

ચાંદી: સુસ્ત હવામાન વચ્ચે 57200નો ભાવ

સ્થાનિક બજારોમાં ચાંદીમાં કોઈ ખાસ ચહલપહલ જોવા મળી ન હતી. ચાંદી સતત બીજા દિવસે કિલોદીઠ રૂ. 57200 પર સ્થિર રહી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે 19.57 ડોલર પર ટ્રેડેડ હતી. ચાંદી દિવાળી સુધીમાં રૂ. 60000 થવાના અહેવાલો વચ્ચે રૂ. 52000થી 54000ની રેન્જમાં રોકાણકારો અને સટ્ટોડિયાઓએ ખેલો કરીને ચાંદીનો મોટાપાયે સ્ટોક ભેગો કરી લીધો છે પરંતુ જેથી ચાંદીમાં પણ માહોલ નરમ જોવા મળ્યો છે તેથી નવી ખરીદીમાં સાવચેતી જોવા મળી રહી છે.