વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઇન્ડિયા 2024ની 10મી વર્ષગાંઠ આવૃત્તિ મુંબઈ ખાતે યોજાશે
16 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર, 2024 દરમિયાન બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે ઇવેન્ટ | અમદાવાદમાં નવીનતા અને ટકાઉ વિકાસ પર મુખ્ય ઉદ્યોગ ચર્ચા યોજાઈ |
અમદાવાદ, 20 સપ્ટેમ્બર: અગ્રણી ટ્રેડ એક્ઝિબિશન્સ ઓર્ગેનાઇઝર ઇન્ફોર્મા માર્કેટ્સ ઇન ઇન્ડિયાએ આજે ધ રેડિસન બ્લુ, અમદાવાદ ખાતે એક વિશિષ્ટ રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન કર્યું હતું, જેમાં ‘વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઇન્ડિયા 2024’નું પૂર્વાવલોકન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. કોંક્રિટ અને બાંધકામ ઉદ્યોગ માટેનો આ એક્સ્પો 16 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર, 2024 દરમિયાન મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાનાર છે.
પ્રદર્શન 300થી વધુ પ્રદર્શકો, 15,000 વેપાર મુલાકાતીઓ ભાગ લેશે | આ વર્ષના પ્રદર્શનમાં 15,000 ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ એકત્ર થશે |
ભારતીય બાંધકામ બજાર 2025 સુધીમાં 1.4 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ
ઇવેન્ટ અંગે વાત કરતાં રજનીસ ખટ્ટરે જણાવ્યું કે, ભારતીય બાંધકામ બજાર 2025 સુધીમાં 1.4 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જેના અંતર્ગત 2025 સુધીમાં ₹111 લાખ કરોડ (1.5 ટ્રિલિયન ડોલર)નું રોકાણ કરવાની યોજના છે. હાલમાં, 7,000થી વધુ પ્રોજેક્ટ્સ પહેલેથી જ ચાલી રહ્યા છે. આ વૃદ્ધિ સાથે સંલગ્ન, ભારતનું સિમેન્ટ ક્ષેત્ર, જે 2023માં 3.96 બિલિયન ટન સુધી પહોંચ્યું હતું, તે 2032 સુધીમાં 4.7%ના સીએજીઆરથી વૃદ્ધિ પામવાની અપેક્ષા છે, જે 2032 સુધીમાં 5.99 બિલિયન ટન સુધી પહોંચશે.
અમદાવાદમાં રાઉન્ડ ટેબલ ચર્ચામાં આ મહાનુભાવોએ લીધો ભાગ
અમદાવાદમાં આયોજિત રાઉન્ડ ટેબલ ચર્ચામાં ઉદ્યોગ જગતના અગ્રણીઓની એક પ્રતિષ્ઠિત પેનલ એકસાથે જોવા મળી હતી, જેમાં ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર ડૉ. મૌલિક રાંકા; કૌસ્તુભ ફડકે, ઈન્ડિયા હેડ, ગ્લોબલ સિમેન્ટ કોન્ક્રીટ એસોસિએશન; કર્નલ ડૉ. ગૌરવ સિંઘ, ટેકનોલોજી એડવાઈઝર; જતીન પારેખ, એમડી, એચઆરઓસી; શૈલેષ ચૌહાણ, ડાયરેક્ટર, ચિર-આયુ કંટ્રોલ્સ પ્રાઇવેટ લિમિટેડ; પાર્થ પટેલ, પ્રોડક્શન હેડ, બીએન પ્રીકાસ્ટ અને રજનીશ ખટ્ટર, સિનિયર ગ્રુપ ડિરેક્ટર, ઈન્ફોર્મા માર્કેટ્સ ઇન ઈન્ડિયાનો સમાવેશ થતો હતો.
જર્મની, ઇટાલી, સહિત વિશ્વભરમાંથી 300 કરતાં વધુ બ્રાન્ડ્સ અને પ્રદર્શકો શામેલ થશે
આ વર્ષના પ્રદર્શનમાં 15,000 ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ એકત્ર થશે અને તેમાં જર્મની, ઇટાલી, યુએસએ, કુવૈત, દક્ષિણ કોરિયા, ફિનલેન્ડ અને જાપાન જેવા દેશો સહિત વિશ્વભરમાંથી 300 કરતાં વધુ બ્રાન્ડ્સ અને પ્રદર્શકો શામેલ થશે.
રિલાયન્સ, અદાણી સિમેન્ટ સહિતની મહારથી કંપનીઓ પણ લેશે ભાગ
ઈન્ફોર્મા માર્કેટ્સ ઇન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે જણાવ્યું, “વૈશ્વિક સ્તરે સિમેન્ટના બીજા સૌથી મોટા ઉત્પાદક તરીકે, ભારત વિશ્વની સ્થાપિત ક્ષમતામાં 8%થી વધુનું યોગદાન આપે છે. આ વર્ષે, એક્સ્પોમાં રિલાયન્સ, અદાણી સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, અમ્માન, આર્ડેક્સ એન્ડુરા, થર્મેક્સ, હોન્ડા ઈન્ડિયા, ઝાયડેક્સ ઈન્ડસ્ટ્રીઝ, મેપેઈ, એમવાયકે આર્મમેન્ટ, અલ્ટ્રાટેક સહિત અન્ય ઘણી બ્રાન્ડ્સની ભાગીદારી જોવા મળશે. આ આયોજનને બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા, ધ ઇન્ડિયન ચેપ્ટર ઓફ અમેરિકન કોન્ક્રીટ ઈન્સ્ટિટ્યૂટ, આરએમસીએમએ અને ડ્રાયકોટેક – ડ્રાય મોર્ટાર એસોસિએશન જેવા અગ્રણી સંગઠનો દ્વારા સમર્થન આપવામાં આવશે.
2023-2024માં, ગુજરાતે એફડીઆઇમાં 7.3 બિલિયન યુએસ ડોલર આકર્ષ્યા
ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં, બાંધકામમાં તેજી જોવા મળે છે અને આ ક્ષેત્રના વિસ્તરણમાં શહેર નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. નાણાકીય વર્ષ 2023-2024માં, ગુજરાતે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)માં નોંધપાત્ર 7.3 બિલિયન યુએસ ડોલર આકર્ષ્યા હતા, જે અગાઉના વર્ષની સરખામણીમાં 55%ની વૃદ્ધિને દર્શાવે છે.