મુંબઈ: જિયો તેના ટ્રુ 5G નેટવર્કને ખૂબ જ ઝડપી ગતિએ લોન્ચ કરી રહ્યું છે. જિયોએ તેના ટ્રુ-5જી કવરેજને ગુજરાતના 33 જિલ્લા મુખ્યમથકો સુધી પહોંચાડી છે, જેનાથી તમામ જિલ્લા મુખ્યમથકોના 100% વિસ્તારમાં જિયો ટ્રૂ 5G કવરેજ મેળવનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

ગુજરાત રિલાયન્સની જન્મભૂમિ છે. ગુજરાતમાં જિયો શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉદ્યોગ 4.0 અને IOT ક્ષેત્રોમાં ટ્રુ 5G-સંચાલિત અભિયાનોની શ્રેણી શરૂ કરશે અને પછી તેને સમગ્ર દેશમાં વિસ્તારશે.

ગુજરાતમાં મહત્વપૂર્ણ ટ્રુ 5જી-સંચાલિત પહેલ ‘એજ્યુકેશન-ફૉર-ઑલ’ સાથે થશે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો શરૂઆતમાં ગુજરાતમાં 100 શાળાઓને ડિજિટાઇઝ કરવા માટે સાથે આવી રહ્યા છે. આ પહેલમાં શાળાઓને જિયોટ્રૂ5G કનેક્ટિવિટી, એડવાન્સ કન્ટેન્ટ પ્લેટફોર્મ, શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સમન્વય માટે પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.

રિલાન્યસ જિયો ઇન્ફોકોમ લિમિટેડના અધ્યક્ષ આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે, ગુજરાત હવે પ્રથમ રાજ્ય છે જેના 100% જિલ્લા મથકો અમારા મજબૂત ટ્રુ 5G નેટવર્ક સાથે જોડાયેલા છે.

રિલાયન્સ ફાઉન્ડેશન પહેલેથી જ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઑલ (ESA) નામનો પ્રોગ્રામ ચલાવે છે, જ્યાં તે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રમતગમતમાં તકો ઊભી કરવાની સાથે પાયાના સ્તરે યુવાનોને સક્ષમ અને સશક્ત બનાવે છે.