બેંક ઓફ બરોડાએ ગિફ્ટ સિટીમાંથી કોર્પોરેટ માટે રૂપિયામાં ડિપોઝિટ સામે વિદેશી ચલણમાં લોન સેવા શરૂ કરી
મુંબઈ: બેંક ઓફ બરોડા (બેંક)એ ગિફ્ટ સિટીમાં તેની શાખામાં નવી પ્રોડક્ટ – ભારતીય કંપનીઓની તેમની વિદેશી પેટાકંપનીઓ/સંયુક્ત સાહસ માટે ભારતીય રૂપિયાની ડિપોઝિટ સામે ફોરેન કરન્સી લોન પ્રસ્તુત કરી છે. બેંક ઓફ બરોડા ગિફ્ટ સિટીમાં આ સુવિધા પૂરી પાડતી પ્રથમ બેંક છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં બેંકના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી) બેંકિંગ યુનિટે તાજેતરમાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે.
બેંક ઓફ બરોડાનું આઇએફએસસી બેંકિંગ યુનિટ ત્રણ મુખ્ય વિદેશી ચલણો એટલે કે અમેરિકન ડોલર, યુરો અને બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગમાં ટ્રાન્ઝેક્શન-આધારિત ઇન્ટરનેટ બેંકિંગ સુવિધા પ્રદાન કરનાર પ્રથમ અને એકમાત્ર બેંક પણ છે, જે રિટેલ અને કોર્પોરેટ ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરે છે.
નવી લોન સ્કીમ અંતર્ગત બેંક ઓફ બરોડાની ગિફ્ટ સિટી શાખા ભારતીય કોર્પોરેટ્સને વિદેશી પેટાકંપનીઓ/સંયુક્ત સાહસોને તેમની ભારતીય રૂપિયાની ડિપોઝિટનો ઉપયોગ કરીને ધિરાણનો ટેકો આપશે, જેથી ભારતીય કંપનીઓને તેમની આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે તેમના રોકડપ્રવાહની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદ મળશે અને બેંક ઓફર થતી લોન પ્રોડક્ટ્સમાં વધારો કરવા સક્ષમ બનાવશે. બેંક આઇબીયુમાં એનઆરઇ/એફસીએનઆર ડિપોઝિટ સામે લોન અને ડિપોઝિટ સામે લોન ઓફર કરે છે.
ગિફ્ટ સિટીમાં બેંક ઓફ બરોડાએ 24 નવેમ્બર, 2017ના રોજ એની શાખા સ્થાપિત કરી હતી અને આ રીતે અહીં પ્રવેશ કરનાર શરૂઆતની બેંકોમાં સામેલ છે. ગિફ્ટ સિટી ભારતમાં નવવિકસિત ઓફશોર બેંકિંગ જિલ્લો છે અને વિકસતું વૈશ્વિક સેવા કેન્દ્ર છે.
બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અનુજ ભાર્ગવે કહ્યું કે, ભારતીય રૂપિયામાં ડિપોઝિટ સામે ફોરેન કરન્સી લોન ભારતીય કંપનીઓને તેમનાં આંતરરાષ્ટ્રીય વ્યવસાયો માટે ફંડ ઊભું કરવા વૈકલ્પિક સુવિધા પ્રદાન કરશે. બેંકે છેલ્લાં પાંચ વર્ષમાં ગિફ્ટ સિટીમાં ઝડપથી વૃદ્ધિ કરી છે અને કેટલાંક મોટી વિસ્તરણ યોજનાઓ પણ ધરાવે છે.