બંધન બેંકનો કુલ વ્યવસાય રૂ. 2 લાખ કરોડથી વધી ગયો
કોલકાતા: બંધન બેંકએ નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. બેંકે સાત વર્ષની કામગીરીના ગાળામાં રૂ. 2 લાખ કરોડનો કુલ વ્યવસાય હાંસલ કર્યો છે. બેંકનો કુલ વ્યવસાય (ડિપોઝિટ અને એડવાન્સ) 31 ડિસેમ્બર, 2022ના રોજ વાર્ષિક ધોરણે 16 ટકા વધીને રૂ. 2,00,070 કરોડ થયો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન બેંકની કુલ ડિપોઝિટ અગાઉના વર્ષના સમાન ગાળાની ડિપોઝિટ કરતાં 21 ટકા વધી હતી. અત્યારે કુલ ડિપોઝિટ રૂ. 1,02,283 કરોડ છે. કુલ ડિપોઝિટ બુકમાં કરન્ટ એકાઉન્ટ એન્ડ સેવિંગ્સ એકાઉન્ટ (કાસા) રેશિયો અત્યારે 36.4 ટકા છે. એડવાન્સની દ્રષ્ટિએ બેંકે અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં 11 ટકાની વૃદ્ધિ કરી હતી. અત્યારે કુલ એડવાન્સ રૂ. 97,787 કરોડ છે.બેંકની સ્થિરતાના સંકેત સમાન મૂડીપૂર્તતા રેશિયો (સીએઆર) 19.1 ટકા છે, જે નિયમનકારી જરૂરિયાતથી ઘણો વધારે છે. પરિણામો પર બેંકના એમડી અને સીઇઓ ચંદ્રશેખર ઘોષે કહ્યું હતું કે, બેંકનો ડાઇવર્સિફિકેશન એજન્ડા સારી રીતે આગળ વધી રહ્યો છે અને કામ કરવા માટે સાનુકૂળ વાતાવરણ હોવાથી બેંક વૃદ્ધિના આગામી તબક્કા માટે સારી સ્થિતિમાં છે.