કોવિડ મહામારી બાદ શેર બજારોમાં નોંધાયેલી તેજીનો લાભ લેવાં અનેક નવા રોકાણકારો માર્કેટ સાથે જોડાયા હતા. પરિણામે શેર બજારમાં રોકાણકારોનો હિસ્સો 2 ટકાથી વધી 5 ટકા થયો છે. સેકેન્ડરી માર્કેટની સાથે સાથે પ્રાઈમરી માર્કેટમાં પણ રોકાણકારોનો રાફડો ફાટી નીકળ્યો છે. છેલ્લા બે વર્ષમાં આઈપીઓમાં રિટેલ રોકાણ બમણાથી વધ્યુ છે. 2019-20માં 6.33 લાખ રિટેલ રોકાણકારોએ આઈપીઓમાં રોકાણ કર્યુ હતું. જે વધી 2021-22માં 14.05 લાખ થયા છે. 2020-21માં જ 12.73 લાખ રિટેલ રોકાણકારોએ આઈપીઓમાં મૂડી રોકી હતી. ટૂંકાગાળામાં આકર્ષક રિટર્ન, કોવિડ પ્રતિબંધોને લીધે વર્ક ફ્રોમ હોમ ટ્રેન્ડ, તેમજ વધારાના સમયની બચતના પગલે ઈક્વિટી બજારમાં રોકાણકારોની સંખ્યા વધી હતી. તેમાંય 2020 અને 2021માં યોજાયેલા મોટાભાગના 75 ટકા આઈપીઓમાં રોકાણ 35 ટકાથી 100 ટકા સુધી વધ્યુ હતું. જેના લીધે આઈપીઓ પ્રત્યે આકર્ષણ વધ્યુ હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યુ છે. 1.12 લાખ કરોડના આઈપીઓ માટે કુલ રૂ. 1.65 લાખ કરોડનું રોકાણ થયુ હતું. જેમાં રિટેલ રોકાણકારોએ 17 ટકા વધુ રોકાણ કર્યું હતું. જો કે, કુલ આઈપીઓ સાઈઝના માત્ર 20 ટકા રકમ અર્થાત રૂ. 22017 કરોડ રિટેલ રોકાણકારોને ફાળવવામાં આવ્યા હતા.

29 આઈપીઓમાં 10 ગણાથી વધુ રોકાણ

ગત નાણાકીય વર્ષમાં આવેલા રેકોર્ડ 54 આઈપીઓમાંથી 29 આઈપીઓમાં રોકાણ 10 ગણાથી વધુ રહ્યુ છે. જ્યારે 8માં 3 ગણાથી વધુ અને 13 આઈપીઓમાં 1થી 3 ગણુ રોકાણ જોવા મળ્યુ છે. રિટેલ રોકાણકારોએ સૌથી વધુ રોકાણ ગ્લેનમાર્ક લાઈફ સાયન્સમાં કર્યુ હતું.

આ 3 આઈપીઓમાં સૌથી વધુ રિટેલ રોકાણ

આઈપીઓ  રિટેલ એપ્લિકેશન્સ
ગ્લેનમાર્ક લાઈફ33.95 લાખ
દેવ્યાની ઈન્ટરનેશનલ32.67 લાખ
લેટેન્ટ વ્યૂ31.87 લાખ

એન્કર ઈન્વેસ્ટમેન્ટ 7 ટકા વધ્યું

મુખ્યત્વે વિદેશી રોકાણકારો આધારિત એન્કર ઈન્વેસ્ટમેન્ટ ગત નાણાકીય વર્ષમાં કુલ ઈશ્યૂ સાઈઝના 39 ટકા (રૂ. 4381.26 કરોડ) રહ્યું છે. જે 2019-20ના 32 ટકા સામે 7 ટકા વૃદ્ધિ દર્શાવે છે. વિદેશી રોકાણકારો (એફપીઆઈ)એ 25 ટકા  અંદાજિત 28 હજાર કરોડ)નું અને મ્યુચ્યુઅલ ફંડ્સે 11 ટકા (રૂ. 12.32 હજાર કરોડ)નું રોકાણ કર્યું હતું. એન્કર ઈન્વેસ્ટર્સ સહિત ક્યુઆઈબીએ 79767.79 કરોડનું રોકાણ કર્યું હતું.

લિસ્ટિંગ સમયે રોકાણકારોની મૂડી 33 ટકા વધી

2021-22માં લિસ્ટેડ કુલ 52 આઈપીઓમાં રોકાણકારોની મૂડી લિસ્ટિંગ સમયે જ સરેરાશ 33 ટકા વધી હતી. જો કે, 2020-21માં એવરેજ લિસ્ટિંગ ગેઈન 36 ટકા હતો. પ્રિ-કોવિડ 2019-20ના 24 ટકા ગેઈન સામે 10 ટકા વધ્યો હતો. 30 આઈપીઓએ લિસ્ટિંગ દરમિયાન 10 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.

52માંથી માત્ર 17માં 50 ટકા સુધી નેગેટિવ રિટર્ન

ગત નાણાકીય વર્ષમાં લિસ્ટેડ કુલ 52 આઈપીઓમાંથી માત્ર 17 આઈપીઓમાં નેગેટિવ રિટર્ન છૂટ્યું છે. જ્યારે 10થી વધુ આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝ સામે બમણાંથી વધ્યા છે. લિસ્ટિંગ દરમિયાન સૌથી વધુ સિગાચી ઈન્ડસ્ટ્રીઝે 270 ટકા, પારસ ડિફેન્સે 185 ટકા, લેટેન્ટ વ્યૂએ 148 ટકા રિટર્ન આપી કમાણી કરાવી હતી.

IPO રિટેલ રોકાણકારોમાં ગુજરાતીઓનો દબદબો

શેર બજારમાં રોકાણ માટે મોખરે એવા ગુજરાતીઓનો આઈપીઓમાં પણ દબદબો જળવાઈ રહ્યો છે. એક્સચેન્જ પર દૈનિક ટર્નઓવરમાં ગુજરાતીઓનો હિસ્સો 14-15 ટકા રહ્યો છે. તેમજ આઇપીઓમાં રોકાણ મામલે 20 ટકાથી વધુ હિસ્સો રહ્યો છે.