NSEને અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) માટે મંજૂરી
મુંબઇઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE)ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસેથી NSEના અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) શરૂ કરવાની અંતિમ મંજૂરી મળી છે.
સોશિયલ સ્ટોક એક્સચેન્જ સામાજિક પહેલો માટે ધિરાણ મેળવવા સામાજિક ઉદ્યોગસાહસિકોને નવો વિકલ્પ પ્રદાન કરશે, જે સામાજિક ઉદ્યોગસાહસિકોને વિઝિબિલિટી આપશે તથા ફંડ ઊભું કરવાની અને ફંડના વપરાશમાં પારદર્શકતા લાવશે. મુખ્યત્વે સામાજિક આશય તરીકે સ્થાપિત કોઈ પણ સામાજિક ઉદ્યોગસાહસ, સેવાભાવી સંસ્થા (એનપીઓ) કે સેવાભાવી સામાજિક ઉદ્યોગસાહસો (એફપીઇ) સોશિયલ સ્ટોક એક્સચેન્જ સેગમેન્ટ પર રજિસ્ટર્ડ / લિસ્ટેડ થઈ શકે છે.
લાયકાત ધરાવતી એનપીઓ માટે બોર્ડ પર આવવાનું પ્રથમ પગલું સોશિયલ સ્ટોક એક્સચેન્જ સેગમેન્ટ પર રજિસ્ટ્રેશન સાથે શરૂ થાય છે. રજિસ્ટ્રેશન પછી એનપીઓ પબ્લિક ઇશ્યૂ કે પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફતે ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ (ઝેડસીઝેડપી) જેવા માધ્યમો પ્રસ્તુત કરીને ફંડ ઊભું કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. અત્યારે નિયમનો ઝેડસીઝેડપી ઇશ્યૂઅન્સ માટે રૂ. 1 કરોડ સુધીની લઘુતમ સાઇઝ નિર્ધારિત કરે છે અને સબસ્ક્રિપ્શન માટે અરજી કરવાની લઘુતમ સાઇઝ રૂ. 2 લાખ છે.
એફપીઇ માટે સીક્યોરિટીઝના ઇશ્યૂ અને લિસ્ટિંગની પ્રક્રિયા એક્સચેન્જની પ્રક્રિયા અંતર્ગત સીક્યોરિટીઝના ઇશ્યૂ અને લિસ્ટિંગ માટે લાગુ પ્રક્રિયા જેવી હશે (મુખ્ય બોર્ડ, એસએમઇ પ્લેટફોર્મ કે ઇનોવેટર્સ વૃદ્ધિ પ્લેટફોર્મ માટે લાયકાતના માપદંડ પર આધારિત, જે સોશિયલ એન્ટરપ્રાઇઝીસ તરીકે લાયકાતના માપદંડો ઉપરાંત લાગુ માપદંડો મુજબ). NSEના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે આ પ્રસંગે એક અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ શરૂ કરવા NSEને મંજૂરી આપવા માટે સેબીનો આભાર માનું છું.