Adani Wilmarનો ત્રિમાસિક નફો 17 ટકા વધ્યો, શેરમાં 5 ટકાની અપર સર્કિટ
અમદાવાદ: અદાણી વિલમરે 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થતાં ત્રિમાસિકમાં રૂ. 246 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 211 કરોડ સામે 16.5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આવક ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹14,370.92 કરોડથી 7% વધીને ₹15,438.05 કરોડ થઈ છે. મજબૂત પરિણામોની સાથે અદાણી વિલમરમાં આજે 5 ટકાની અપર સર્કિટ વાગી હતી. ફૂડ એન્ડ એફએમસીજી સેગમેન્ટે એકંદર વેચાણ વોલ્યુમ દ્વારા 15% યોગદાન આપ્યું છે. જેમાં 27 ટકા ગ્રોથ નોંધાયો છે. અદાણી વિલ્મર લિમિટેડના MD અને CEO અંગશુ મલિકે જણાવ્યું હતું કે, “અમે સલામત, આરોગ્યપ્રદ અને પૌષ્ટિક પેકેજ્ડ મુખ્ય ખોરાકની સતત માંગ જોઈ રહ્યા છીએ. અમે વિતરણ નેટવર્ક, ઉત્પાદન સુવિધાઓ, લોજિસ્ટિક્સ અને ખાદ્ય તેલના વ્યવસાયના ગ્રાહક સંબંધોનો લાભ લઈ રહ્યા છીએ.
પરીણામના પગલે શેરમાં 5 ટકાની તેજીની સર્કિટ
આઈપીઓ માર્કેટમાં ગત વર્ષે શ્રેષ્ઠ પર્ફોર્મર રહેનાર અદાણી વિલમરનો શેર 4.99 ટકા અપર સર્કિટ સાથે 419.35 અને NSE પર 4.99% અપર સર્કિટ સાથે ₹418.80 પર ટ્રેડેડ હતો. છેલ્લા એક વર્ષમાં અદાણી વિલ્મરના શેરમાં એક વર્ષમાં 56%થી વધુનો વધારો થયો છે. છેલ્લા ઘણા સમયથી લોઅર સર્કિટ રહેવાની સાથે મોટા કડાકા બાદ પણ અદાણી વિલમરનો શેર આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 230 સામે 82.17 ટકા રિટર્ન આપી રહ્યો છે.
અદાણી વિલ્મર એ અદાણી ગ્રૂપ અને વિલ્મર ગ્રૂપ વચ્ચેનું સંયુક્ત સાહસ (JV) છે. યુએસ સ્થિત હિન્ડેનબર્ગના અહેવાલને પગલે, વિલ્મર ઇન્ટરનેશનલ લિમિટેડે બ્લૂમબર્ગ ન્યૂઝને જણાવ્યું હતું કે તે અદાણી ગ્રૂપ સાથેના તેના સંયુક્ત સાહસને સમર્થન આપવાનું ચાલુ રાખશે. એફએમસીજી ફૂડ કંપની ખાદ્ય તેલ, લોટ, ચોખા, કઠોળ અને ખાંડ સહિતની મોટાભાગની જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ ઓફર કરે છે. કંપની ‘ફોર્ચ્યુન’ બ્રાન્ડ હેઠળ રસોઈ તેલનું વેચાણ કરે છે. રસોઈ તેલ ઉપરાંત, તે ચોખા, ઘઉંનો લોટ અને ખાંડ જેવા ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ કરે છે. તે સાબુ, હેન્ડવોશ અને સેનિટાઇઝર જેવા બિન-ખાદ્ય ઉત્પાદનો પણ વેચે છે.