અમદાવાદઃ વૈશ્વિક સ્તરે સોનાએ ઔંશદીઠ 1700 ડોલરની સપાટી તોડી હતી. તેની પાછળ સ્થાનિક બજારોમાં અમદાવાદ ખાતે પણ સાપ્તાહિક ધોરણે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ રૂ. 900ના ઘટાડા સાથે રૂ. 52400 અને ચાંદી રૂ. 2500ના ઘટાડા સાથે રૂ. 54000ની સપાટીએ રહ્યા હતા.

કિંમતી ધાતુમાં વધુ ઘટાડો મર્યાદિત રહેવાનો અંદાજ બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. સોનું છ સપ્તાહની નીચી સપાટીએ છે પરંતુ ડોલર સામે રૂપિયામાં નરમાઈને કારણે સ્થાનિક બજારમાં ઘટાડો ઓછો જોવા મળ્યો છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની જાહેરાત બાદથી ડોલર ઈન્ડેક્સ 20 વર્ષની ટોચે ટ્રેડેડ છે. પરિણામે તેનાથી વિરૂદ્ધ વલણ દર્શાવતા કિંમતી ધાતુઓમાં ભાવ સતત ઘટી રહ્યા છે. ક્રૂડ ઓઈલના ઘટતા ભાવ, મજબૂત યુએસ ડોલર ઈન્ડેક્સ અને યુ.એસ. ટ્રેઝરી યીલ્ડમાં વધારો એ તમામ મંદીના પરિબળો છે.  જે મેટલ્સ માર્કેટના બુલ્સને પડકારી રહ્યા છે. કોમેક્સ ફ્યુચર્સ માર્કેટમાં સટ્ટાકીય પોઝિશનિંગ માર્ચથી ઝડપથી ઘટ્યુ છે. ફેડના હૉકીશ વલણે મની મેનેજરની સ્થિતિને ઘણા વર્ષોના તળિયે પહોંચાડી છે. ફેડ ચેર જેરોમ પોવેલે પણ બજારોને ચેતવણી આપી હતી કે ફુગાવો સારી રીતે અંકુશિત રહે તેની ખાતરી કરવા માટે વ્યાજ દરો લાંબા સમય સુધી વધારો કરી શકે છે.

 MCX સોના માટે 49500-49200 સપોર્ટ લેવલ

ટેકનિકલ દ્રષ્ટિએ જોવા જઇએ તો MCXમાં વલણ મંદીભર્યું દેખાય છે. કિંમતો 200-દિવસની મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહી છે. મેઈન કરેક્શન સમાપ્ત થઈ ગયું જણાય છે. COMEXમાં, સોનાને લગભગ 1690-1675 અને 1650 ડોલરનો સપોર્ટ છે. MCXમાં સોના માટે 49500 અને 49200 મજબૂત ટેકો હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સનું કહેવું છે.