IHCLની VIVANTA અને GINGER-બ્રાન્ડેડ બે હોટેલ્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 275 રૂમ ઓફર કરશે

ડાબેથી જમણેઃ એકતા નગરમાં IHCLના એમડી અને સીઇઓ પુનીત ચટવાલ,  ટાટા સન્સના એન ચંદ્રશેખરન અને વિદેશ મંત્રી એસ જયશંકર

મુંબઈ: ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL)એ ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ બે હોટેલ્સની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી જયશંકરે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને IHCLના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ પુનીત ચટવાલની હાજરીમાં શિલાન્યાસ કર્યો હતો. IHCLના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનીત ચટવાલે કહ્યું હતું કે આ બંને હોટેલ્સમાં 125-રૂમની VIVANTA અને 150 રૂમની GINGERનો સમાવેશ થાય છે.  સ્ટેચ્યૂ ઓફ યુનિટીની નજીક ઊભી થનારી આ બંને હોટેલ વિવિધ ડાઇનિંગ અને મનોરંજન સુવિધાઓ પૂરી પાડશે. ઉપરાંત VIVANTA હોટેલ બિઝનેસ તેમજ લેઇઝર ટ્રાવેલર્સને કોન્ફરન્સિંગ અને વેલનેસ સુવિધાઓ પૂરી પાડશે. આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે, જે વર્ષ 2025માં કાર્યરત થશે. આ હોટેલના ઉમેરા સાથે IHCL ગુજરાતમાં 19 હોટેલ ધરાવશે, જેમાં ચાર નિર્માણાધિન છે.

GMDC ગુજરાતને ભારતનું રેર અર્થ પ્રોસેસિંગ હબ બનાવશે

અમદાવાદઃ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દેશમાં દુર્લભ ખનીજો અર્થાત રેર અર્થ એલિમેન્ટ્સ (REE)નો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપી રહી છે. ઇલેક્ટ્રિક વાહનો, વિન્ડ ટર્બાઇન અને એલઇડી માટે કાયમી ચુંબક જેવી ગ્રીન એનર્જી ટેકનોલોજી વિકસાવવા માટે આ રેર અર્થ એલીમેન્ટ્સ ખુબ જરૂરી છે, ઉપરાંત કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં પણ આ દુર્લભ ખનીજો મદદરૂપ છે. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના અંબાડુંગર ડિપોઝિટ માટે પ્રિ-ઈકોનોમિક એસેસમેન્ટ હાથ ધરવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે, જેમાં પ્રોસેસ ફ્લો ડિઝાઇન અને બેનીફિશિયેશન માટે તમામ સંબંધિત પરીક્ષણો અને REE ઑક્સાઈડનું ઉત્પાદન સામેલ છે. ગુજરાતમાં રેર અર્થ એલિમેન્ટ્સ માટે સંપૂર્ણ વેલ્યુ ચેઈન સ્થાપિત કરી ક્લિન એનર્જીના સરકારના લક્ષ્યાંકને વેગ આપવાનો ઉદ્દેશ છે.  GMDCના મેનેજિંગ ડિરેક્ટર, IAS, રૂપવંત સિંઘે જણાવ્યું કે,  અમે GMDC ખાતે REE તત્વો માટે સંપૂર્ણ વેલ્યુ ચેઈનની સ્થાપનાને સુનિશ્ચિત કરીશું, રાજ્યમાં સમયાંતરે સારૂ વળતર આપનારા સાહસો માટે જરૂરી મૂડીરોકાણનો અંદાજ લગાવીશું. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (DAE) ના ડોમેન તરીકે ગુજરાત સરકાર રાજ્યના વિવિધ સ્થળો પર REEના ખનન અને પ્રોસેસિંગના ડેવલોપમેન્ટ માટે યોજના ધરાવે છે. જે ગુજરાતને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આવા અયસ્ક માટે REE પ્રોસેસિંગ હબ બનાવશે.

સ્ટ્રેટેજિક મિનરલ્સ તરીકે વર્ગીકૃત રેર અર્થ એલિમેન્ટ્સ, જેને રેર અર્થ મેટલ્સ પણ કહેવાય છે,  જેનો ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક બનાવટો, લેસર, કાચ, ચુંબકીય સામગ્રી અને વિવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉપયોગ થતાં વિવિધ એપ્લિકેશન્સ સાથે 17સોફ્ટ હેવી મેટલ્સ ધરાવે છે. ઇલેક્ટ્રોનિક્સ, ક્લીન એનર્જી, એરોસ્પેસ, ઓટોમોટિવ અને ડીફેન્સ ક્ષેત્રની બહુવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં તેનો ઉપયોગ થાય છે.