અમદાવાદ, 20 નવેમ્બર: ઇન્ડોનેશિયાના બી40 બાયોડીઝલ મેન્ડેટના લીધે પામ ઓઇલના સ્ટોકની અછત માર્ચ 2025 સુધી જળવાઈ રહે તેવી સંભાવના છે. આ મેન્ડેટ મુજબ ડીઝલમાં 40 ટકા પામ ઓઇલ ભેળવવું જરૂરી છે જેના લીધે માંગમાં નોંધપાત્ર વધારો થશે. ઇન્ડોનેશિયાની ડોમેસ્ટિક માર્કેટ ઓબ્લિગેશન (ડીએમઓ) પોલિસી મુજબ સ્થાનિક ઉપયોગ માટે પામ તેલના ઉત્પાદનનો કેટલોક હિસ્સો અનામત રાખવો પડે છે. આ પોલિસી પ્રમાણે એડજસ્ટમેન્ટ કરતાં વૈશ્વિક નિકાસ પુરવઠો વધુ સંકોચાશે જેના લીધે કિંમતો પર દબાણ આવશે. આ ઉપરાંત ભૂરાજકીય વિક્ષેપો અને મહત્વના વિસ્તારોમાં ઘટેલા ઉત્પાદનના લીધે સનફ્લાવર ઓઇલનો વૈશ્વિક પુરવઠો ઓછો રહ્યો છે જેના લીધે ખાદ્ય તેલની કિંમતોમાં મજબૂતાઈ જોવાઈ છે.

એનકે પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (એસઈએ)ના વેસ્ટ ઝોનના ચેરમેન પ્રિયમ પટેલે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એસોસિયેશનના 21મા વાર્ષિક સંમેલન દરમિયાન ખાદ્ય તેલ ક્ષેત્ર અંગે મહત્વપૂર્ણ આંતરદ્રષ્ટિ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પોતાના વિચારો રજૂ કરતા  પટેલે વૈશ્વિક બજાર પ્રવાહોનું વિશ્લેષણ કર્યું હતું. તેમણે ગ્રાહક સુરક્ષાને લગતી ચિંતાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને આયાતો પરની નિર્ભરતા ઘટાડવા માટે ખાદ્ય તેલ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

વિશ્વભરમાં સોયાબીનનો પુરવઠો વિપુલ પ્રમાણમાં છે અને દક્ષિણ અમેરિકામાં વિક્રમી પાક થવાની ધારણા છે જેનાથી સોયાબીન તેલની કિંમતો પર ઘટાડા તરફી દબાણ જોવા મળી શકે છે. નવા નેતૃત્વ હેઠળ યુએસ બાયોડીઝલ પોલિસીમાં ફેરફારોથી બાયોફ્યુઅલ પ્રોડક્શનમાં વેજીટેબલ ઓઇલ માટેની માંગમાં ઘટાડો થાય તેવી શક્યતા છે જેના પગલે કિંમતોનું દબાણ વધુ હળવું થશે. આ ઉપરાંત ગ્લોબલ ક્રૂડ ઓઇલ માર્કેટમાં વધુ પુરવઠાથી ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી છે જેનાથી બાયોડીઝલ ઓછું સ્પર્ધાત્મક બન્યું છે અને બાયોફ્યુઅલ ઉત્પાદનમાં વપરાતા ખાદ્ય તેલ માટેની માંગ ઘટી છે.

ગ્રાહકોની સુરક્ષા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા  પટેલે ખાદ્ય તેલ પેકેજિંગ માટે ડબ્બાને ફરીથી વાપરવાની ગેરકાયદેસર પ્રેક્ટિસની ટીકા કરી હતી. ખાદ્ય તેલના પેકેજિંગ માટે ફરીથી જૂના ડબ્બા વાપરવાથી નિયમનકારી ધોરણોનું ઉલ્લંઘન થાય છે, સાથે સાથે ગ્રાહકો સામે ખોરાક સંબંધિત ચેપ અને ગંભીર બીમારીઓ જેવા આરોગ્યને લગતા ગંભીર જોખમો ઊભા થાય છે.  પટેલે આ ગેરરીતિઓ નાબૂદ કરવા માટે ખાદ્યાન્ન સુરક્ષા નિયમનોના કડક અમલીકરણની માંગ કરી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)