અમદાવાદ, 29 ડિસેમ્બરઃ ઈનોવા કેપટેબ લિ.નો આઈપીઓ આજે સ્ટોક એક્સચેન્જ ખાતે ફ્લેટ લિસ્ટેડ થયો હતો. જો કે, બાદમાં 22 ટકા વધ્યો હતો. ઈનોવા કેપટેબએ રૂ. 448ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 456.10ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું હતું. જે 22.17 ટકા ઉછળી 547.30ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. નીચામાં 452નું તળિયુ નોંધાવ્યું હતું.

Innova Captab IPO માટે રૂ. 85 ગ્રે પ્રીમિયમને ધ્યાનમાં લેતાં નિષ્ણાતોએ લિસ્ટિંગ 19 ટકા પ્રીમિયમે થવાનો અંદાજ આપ્યો હતો. કંપનીએ 21થી 26 ડિસેમ્બરે રૂ. 570 કરોડનો આઈપીઓ યોજ્યો હતો. જેને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જે કુલ 55.26 ગણો ભરાયો હતો. ક્યુઆઈબી પોર્શન 116.73 ગણો, એનઆઈઆઈ 64.95 ગણો તેમજ રિટેલ 17.15 ગણો ભરાયો હતો. એન્કર રોકાણકારો પાસેથી રૂ. 171 કરોડનું ફંડ એકત્ર કર્યું છે.

ફાર્માસ્યુટીકલ કંપની ઈનોવા કેપટેબ લિ. ભારતીય ફાર્માસ્યુટીકલ કંપનીઓને કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ સર્વિસિઝ પ્રદાન કરે છે. તદુપરાંત બ્રાન્ડેડ જેનરિક્સનો બિઝનેસ કરે છે. જે ટેબ્લેટ્સ, કેપ્સુલ્સ, ડ્રાય સિરપ, ડ્રાય પાવર ઈન્જેક્શન્સ, ઓઈન્ટમેન્ટ્સ અને લિક્વિડ મેડિસિન્સનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે.

કંપની ફ્રેશ ઈશ્યુમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ પુન:ચુકવણી અને અમુક બાકી લોન, પેટાકંપની યુએમએલમાં રોકાણ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓને ભંડોળ પૂરું પાડવા માટે કરે છે. નાણાકીય વર્ષ 2022માં, CRISIL રિપોર્ટમાં ધ્યાનમાં લેવામાં આવેલા ભારતીય ફોર્મ્યુલેશન CDMO પ્લેયર્સમાં, ઇનોવા કેપ્ટેબ ત્રીજી સૌથી વધુ ઓપરેટિંગ આવક, બીજા ક્રમનું સૌથી વધુ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન, ત્રીજું સૌથી વધુ નેટ પ્રોફિટ માર્જિન અને રોજગારી મૂડી પર બીજા ક્રમનું સૌથી વધુ રિટર્ન નોંધાવ્યું હતું. ઇનોવા કેપટૅબ હિમાચલ પ્રદેશના બદ્દીમાં બે ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે.