અમદાવાદ, 17 જાન્યુઆરીઃ ચાલુ કેલેન્ડર વર્ષનો બીજો આઈપીઓ Medi Assist Healthcareનો આઈપીઓ આજે પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. જે પ્રથમ દિવસના અંતે કુલ 16.25 ગણો ભરાયો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 40.14 ગણો, એનઆઈઆઈ 14.85 ગણો અને રિટેલ 3.19 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો.

મેડી આસિસ્ટ હેલ્થકેરે આઈપીઓ અંતર્ગત રૂ. 351.47 કરોડનું એન્કર ઈન્વેસ્ટમેન્ટ એકત્ર કર્યું છે. ગ્રે માર્કેટમાં મેડી આસિસ્ટના આઈપીઓ માટે રૂ. 30 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે લિસ્ટિંગ ગેઈન 7 ટકાથી 10 ટકા રહેવાનો અંદાજ આપે છે. આઈપીઓ ઈશ્યૂના શેર્સ 18 જાન્યુઆરીએ એલોટ કરવામાં આવશે. જ્યારે લિસ્ટિંગ 22 જાન્યુઆરીએ થશે.

કંપનીએ રૂ. 397-418ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1171.58 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. ઈશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે. આઈપીઓ લિસ્ટિંગ બાદ પ્રમોટર ડો. વિક્રમજીત સિંહ છટવાલનું હોલ્ડિંગ 67.55 ટકાથી ઘટી 45.75 ટકા થશે.

બેંગ્લુરૂ સ્થિત મેડિ આસિસ્ટ હેલ્થકેર ઈન્સ્યોરન્સ સેગમેન્ટમાં થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેશન તરીકે કામગીરી કરે છે. તદુપરાંત તે હેલ્થકેર બિઝનેસમાં પણ વિસ્તરણ કરી રહી છે. કંપની સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગના લાભો મેળવવા આઈપીઓ લઈ આવી છે. જેનો ચોખ્ખો નફો અને આવકો છેલ્લા 3 નાણાકીય વર્ષમાં સતત વધી છે. ગત નાણાકીય વર્ષમાં આવકો 25.95 ટકા તથા ચોખ્ખો નફો 18.66 ટકા વધ્યો છે.

2002માં સ્થાપિત મેડિ આસિસ્ટ હેલ્થ ટેક્ અને ઈન્સ્યોરન્સ ટેક કંપની છે. જે યુનિક બિઝનેસ મોડલ સાથે મેડિકલ ઈન્સ્યોરન્સ અને કેશલેસ હોસ્પિટલાઈજેશનની સુવિધા આપે છે. કંપની જનરલ અને હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ અને વીમાધારકો, ઈન્સ્યોરન્સ કંપનીઓ અને હેલ્થકેર પ્રોવાઈડર્સ (હોસ્પિટલો), સરકાર અને જાહેર આરોગ્ય યોજનાઓના લાભાર્થીઓ વચ્ચે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવે છે.