નવી દિલ્હી: ભારતીય શેરબજારોની વોલેટિલિટી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ સતત વધતુ રહ્યું છે. નવેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીની AUM પ્રથમ વખત રૂ. 40 લાખ કરોડની નવી ટોચે પહોંચી ગઇ છે. જો કે, માર્કેટની તેજી વચ્ચે ઈક્વિટીમાંથી રોકાણ પાછું ખેંચાયું હતું. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ઓક્ટોબરની તુલનાએ 76 ટકા ઘટી 2258 કરોડ નોંધાયુ હતું. જેની પાછળનું કારણ છેલ્લા થોડા સમયથી માર્કેટમાં જોવા મળેલી તેજી છે. ઈક્વિટી રોકાણકારો પ્રોફિટ બુક કરતાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં વેચવાલી નોંધાઈ હતી. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ (Amfi) દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, એકંદરે નવેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં કુલ રૂ. 13263 કરોડનું રોકાણ થયુ હતું. જે ઓક્ટોબરમાં 14045 કરોડ કરતાં ઘટ્યું છે.

ઈક્વિટી સ્કિમ્સમાં સતત 21માં મહિને રોકાણ

ઈક્વિટી સ્કિમ્સમાં સતત 21માં મહિને રોકાણ પ્રવાહ જળવાઈ રહ્યો હતો. ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડમાં રૂ. 2,258 કરોડનું રોકાણ થયું હતું. જે ઓક્ટોબરમાં રૂ. 9,390 કરોડ હતું. જે 76 ટકા ઘટાડો દર્શાવે છે. છેલ્લા 21 માસમાં નવેમ્બર-2022માં સૌથી ઓછુ ઈક્વિટી રોકાણ નોંધાયુ છે.

એસઆઈપી રોકાણ નવી ઐતિહાસિક ટોચે

મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) દ્વારા થતુ રોકાણ નવેમ્બરમાં રૂ. 13,307 કરોડની નવી ઐતિહાસિક ટોચે હતો. SIP બુકે ઓક્ટોબર 2022માં પ્રથમ વખત રૂ. 13,000 કરોડનો આંકડો પાર કર્યો હતો. LKP સિક્યોરિટીઝના રિસર્ચ હેડ એસ રંગનાથને જણાવ્યું હતું કે, “ડોલરના સંદર્ભમાં ભારત અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન લાર્જ માર્કેટ યર છે, FII નફો બુક કરી રહ્યાં છે પરંતુ SIP દ્વારા સ્થાનિક પ્રવાહ આજીવન ઉચ્ચ સ્તરે છે જે વધતી જતી મેચ્યોરિટી અને આત્મવિશ્વાસ દર્શાવે છે. ઇક્વિટી કેટેગરીમાં લાર્જ-કેપ ફંડ્સે રૂ. 1,039 કરોડનો આઉટફ્લો, જ્યારે મિડ-કેપ અને સ્મોલ-કેપ ફંડ્સમાં અનુક્રમે રૂ. 1,176 કરોડ અને રૂ. 1,378 કરોડનો રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો. ફ્લેક્સી-કેપ ફંડ્સમાં રૂ. 863 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો.