અમદાવાદઃ રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસિસ લિમિટેડનો આઈપીઓ રૂ. 94ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 99.30ની સપાટીએ ખુલવા સાથે 10ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવીને રોકાણકારોને વધુ રાજી કર્યા હોય તેમ આ લખાય છે ત્યારે એટલેકે બપોરે 13.19 કલાક આસપાસ શેરનો ભાવ રૂ. 108.80 આસપાસ મૂકાતો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 14.80 (15.74 ટકા) આસપાસનું પ્રિમિયમ દર્શાવે છે. રિટેલ કેશ મેનેજમેન્ટ કંપની રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ આઈપીઓ હેઠળ રૂ. 250.76 કરોડ એકત્ર કરવામાં સફળ રહી હતી. જેની પ્રાઈસ બેન્ડ 94-99 હતી. જે અંતે રૂ. 94 નિર્ધારિત કરવામાં આવી હતી.

આઈપીઓને નબળો પ્રતિસાદ પરંતુ સારું લિસ્ટિંગ


રેડિયન્ટ કેશ મેનેજન્ટનો આઈપીઓ માત્ર 53 ટકા જ ભરાયો હતો. જેમાં એકમાત્ર ક્યુઆઈબી પોર્શન ફુલ્લી 1.01 ગણો ભરાયો હતો. આ સિવાય એનઆઈઆઈ 66 ટકા અને રિટેલ 21 ટકા સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. મોટાભાગના બ્રોકરેજ હાઉસ આ ઈશ્યૂ અંગે ઉત્સાહિત હતાં. જેઓએ સબ્સ્ક્રાઈબ કરવા સલાહ આપી હતી. 31 માર્ચ, 2022 સુધી સેવા આપતા નેટવર્ક સ્થાનો અથવા ટચ પોઈન્ટ્સની દ્રષ્ટિએ કંપની RCM સેગમેન્ટમાં સૌથી મોટી ખેલાડીઓમાંની એક છે. રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસિસ ભારતમાં 13,044 પિન કોડ પર સેવાઓ પૂરી પાડે છે જેમાં 31 જુલાઈ, 2022 સુધીમાં 5,388 કરતાં વધુ સ્થળોએ સેવા આપતા લગભગ 55,513 ટચપોઇન્ટ્સ સાથે તમામ જિલ્લાઓ (લક્ષદ્વીપ સિવાય) આવરી લેવામાં આવ્યા છે
કંપનીના મુખ્ય મોટા ગ્રાહકો એક્સિસ બેન્ક લિમિટેડ, સિટી બેન્ક, ડોઇશ બેન્ક લિમિટેડ, એચડીએફસી બેન્ક લિમિટેડ, ICICI બેન્ક લિમિટેડ, કોટક મહિન્દ્રા બેન્ક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, હોંગકોંગ અને શાંઘાઈ બેંકિંગ કોર્પોરેશન લિમિટેડ અને યસ બેન્ક લિમિટેડ છે.