અમદાવાદ, 9 ઓગસ્ટઃ RBIની પોલિસી બેઠક અગાઉ બુધવારે સ્થાનિક શેરબજારો ઉતાર-ચઢાવ બાદ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. ખાસ કરીને છેલ્લા કલાકમાં જોવાયેલા વેલ્યુ બાઇંગના પગલે મેટલ, ઓટો અને ઓઈલ-ગેસ શેરોમાં સુધારા સાથે SENSEX 149 પોઈન્ટ્સ વધ્યો હતો જ્યારે NIFTY 19600ની ઉપર બંધ રહ્યો હતો.

અમેરિકામાં મૂડીઝના બેન્કિંગ ડાઉનગ્રેડની અસરથી અમેરિકાના બજારોમાં કડાકા બાદ આજે એશિયાના અન્ય બજારોની સાથે ભારતીય બજારમાં પણ સવારે અસર જોવા મળી હતી પરંતુ છેલ્લા કલાકમાં નીચા મથાળે લેવાલીથી રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહેલું બજાર ગ્રીન ઝોનમાં આવી ગયું હતું અને દિવસની નીચી સપાટીથી બજાર 550 પોઈન્ટ્સ રિબાઉન્ડ થયું હતું.

BSE SENSEX 66,066.01 અને 65,444.38 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 149.31 પોઈન્ટ્સ સુધરી 65995.81 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો NIFTY 19,645.50 અને 19,467.50 પોઈન્ટ્સની સપાટી વચ્ચે રમી 61.70 પોઈન્ટ્સના સુધારા સાથે 19632.55 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો.

સેક્ટોરલ્સમાં પણ સંગીન સુધારાની ચાલ

આજે મેટલ, ઓઈલ-ગેસ, એનર્જી, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, ફાર્મા, એફએમસીજી, આઈટી, ટેકનો અને ઓટો સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં સુધારાની ચાલ જોવા મળી હતી જ્યારે રિયલ્ટી, બેન્ક, ફાઈનાન્શિયલ સેક્ટોરલ્સમાં સ્ટોક સ્પેસિફિક વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.39 ટકા અને 0.57 ટકા વધીને બંધ રહ્યા હતા.