23 મે, આણંદ: ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ બાબતોના માનનીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ પૂણેમાં આવેલી પૂણે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મર્યાદિત અને કોલ્હાપુર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મર્યાદિત ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ગોબર સે સમૃદ્ધિ કાર્યક્રમનો પ્રથમ તબક્કો લૉન્ચ કર્યો હતો. આ ઉપરાંત તેમણે પૂણે દૂધ સંઘ ખાતે બાયોગેસ સ્લરી પ્રોસેસિંગ સેન્ટર તથા એસ્પિરેશનલ જિલ્લા ગઢચિરોલીમાં શિશુ સંજીવની પ્લાન્ટ અને શિશુ સંજીવની પ્રોગ્રામનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે એનડીડીબીના ચેરમેન મીનેશ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ગોબર સે સમૃદ્ધિ પ્રોગ્રામને લૉન્ચ કરતી વખતે રૂપાલાએ જણાવ્યું કે, એનડીડીબી, એનડીડીબી મૃદા લિ. અને Sistema.bioના માર્ગદર્શન હેઠળ ગોબર સે સમૃદ્ધિ કાર્યક્રમ લૉન્ચ થઈ રહ્યો છે. આપણાં પશુપાલકોને ફક્ત છ હજાર રૂપિયામાં બાયોગેસ પ્લાન્ટ પ્રાપ્ત થશે. સ્લરી પ્રોસેસિંગ પ્લાન્ટ જૈવિક ખાતર મારફતે પશુપાલકોને વધારાની આવક પ્રાપ્ત થાવાની તકો પણ પૂરી પાડશે. કોલ્હાપુર અને પૂણે મિલ્ક યુનિયનનું આ મોડેલ અન્ય ડેરી સહકારી મંડળીઓનો પ્રેરણાસ્રોત બની રહેશે. એનડીડીબીનું મેન્યોર વેલ્યૂ ચેઇન મોડેલ માટીનું સ્વાસ્થ્ય સુધારશે અને તે ગ્રામ્ય વિસ્તારમાં વસતી મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.

રૂપાલાએ જણાવ્યું હતું કે, એનડીડીબી દ્વારા વિકસાવવામાં આવેલી શિશુ સંજીવની એ ઊર્જાથી ભરપૂર ફોર્ટિફાઇડ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ છે, જે 04-06 વર્ષની વયજૂથના આંગણવાડીના બાળકોને આવરી લઈ તેમની કુપોષણની સમસ્યાને દૂર કરે તેવી અપેક્ષા છે તથા તેના પ્રથમ ઉત્પાદન પ્લાન્ટને ભંડારા દૂધ સંઘ ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. મીનેશ શાહએ જણાવ્યું કે, એનડીડીબીએ બાયોગેસને પ્રોત્સાહન આપવા અને ગાયના છાણ આધારિત મેન્યોર મેનેજમેન્ટ મોડેલને વિકસાવવા માટે છેલ્લાં કેટલાક વર્ષોમાં નિરંતર પ્રયાસો કર્યા છે. એનડીડીબીની સહાય કંપની એનડીડીબી મૃદા લિ. સ્લરીના કાર્યક્ષમ ઉપયોગની સાથે બાયોગેસને પ્રોત્સાહન આપી રહી છે. તેનાથી વિશ્વમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન પણ ઘટશે.