• ક્રૂડ ઇફેક્ટ : રોકાણકારોને 200 અબજ ડોલરનું નુકસાન જવાની દહેશત
  • પેટ્રોલ,ડીઝલ-LPGમાં વધારો થશે, મોંઘવારીથી કેટલો બોજો વધશે

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત ક્યારે આવશે તે અનિશ્ચિત છે. જેના કારણે ક્રૂડ ઓઈલનો ભાવ રોજ નવી ટોચે પહોંચી રહ્યો છે. રવિવારે ટ્રેડિંગ દરમિયાન ક્રૂડ $139ની સપાટી ક્રોસ કરી ગયુ હતુ. પરિણામે મોંઘવારીમાં વધારો અને આરબીઆઈના પોલિસી વલણમાં મોટાપાયે ફેરફારની આશંકા છે. શેરબજારો તૂટ્યા છે.  ક્રૂડની વધતી કિંમતોની ચારે બાજુ અસર થઈ શકે છે. આગામી દિવસોમાં કંપનીઓ, રોકાણકારો, સામાન્ય લોકો અને સરકારને ભારે નુકસાન ભોગવવુ પડશે. કાચા તેલની કિંમત 14 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. તેનાથી સર્વાંગી ફુગાવો વધવાની ધારણા છે. પેટ્રોલ, ડીઝલની સાથે એલપીજીના ભાવમાં પણ ભારે વધારો થઈ શકે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે રોકાણકારોને 200 બિલિયન ડોલરનું નુકસાન થયુ છે.

કંપનીઓ પર 23 અબજનો બોજો

કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝના મતે, જો ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત $120 પ્રતિ બેરલ પર રહે, તો ભારતીય અર્થતંત્ર પર $70 અબજનો વધારાનો બોજ પડી શકે છે. તેનાથી ફુગાવો વધશે અને કંપનીઓના નફાને અસર થશે. અંદાજ મુજબ, આનાથી ઔદ્યોગિક ઇંધણ પર $8 અબજ, નૂર ખર્ચમાં $11 અબજ અને અન્ય ઉત્પાદનો પર $4 અબજનો વધારાનો બોજો પડશે.

સામાન્ય માણસ: $50 અબજનો બોજો

બ્રોકરેજના રિપોર્ટ મુજબ, આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં ભારે વધારો થઈ શકે છે. આનાથી લોકો પર 22 અબજ ડોલરનો સીધો બોજ પડી શકે છે. આ સિવાય તેલની કિંમતોમાં વધારાને કારણે ઈંધણ અને જકાત ખર્ચ વધશે જેનો સીધો બોજો ગ્રાહકો પર પડશે. ખાસ કરીને નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા પરિવારો આર્થિક ભીંસમાં મુકાશે. એકંદરે તેમના પર $50 અબજનો બોજ પડશે.

સરકાર: $20 અબજનો બોજો

સરકાર ડીઝલ અને પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી શકે છે. પરંતુ સરકાર એલપીજી સબસિડી પર હાથ ઉંચા કરી શકે છે. કોટકના મતે, જો સરકાર પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂ. 10નો ઘટાડો કરે તો તેની આવક પર $20 અબજનો વધારાનો બોજ પડશે. ઉપરાંત, ખેડૂતોની આવકને ટેકો આપવા માટે, સરકારે વિવિધ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવો પડી શકે છે. સરકારની ખાદ્ય સબસિડીમાં $3.5 અબજ વધી શકે છે.

રોકાણકારોને $200 અબજનું નુકસાન

તેલના ભાવમાં તીવ્ર ઘટાડાથી શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આના કારણે રોકાણકારોએ $200 અબજથી વધુની સંપત્તિ ગુમાવી છે. તેલના ભાવમાં વધારાથી કંપનીઓની કમાણીને અસર થશે. બીજી બાજુ માંગમાં ઘટાડો થશે, જે આવક પર અસર કરશે. ઈક્વિટીમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ પણ નબળું પડશે. મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર, તેલના ભાવમાં તાજેતરના તીવ્ર વધારાથી ચાલુ ખાતાની ખાધમાં 75 બેસિસ અને ફુગાવામાં 100 બેસિસનો વધારો થઈ શકે છે.