ક્રેડિટ પ્રોફાઇલ ચેક કરનારા ગ્રાહકોની સંખ્યામાં 83% વૃધ્ધિ જોવા મળી
મુંબઇ: ક્રેડિટ પ્રોફાઇલનું મોનિટરીંગ કરનારા ગ્રાહકોની સંખ્યામાં ઓક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022 દરમિયાન 83 ટકા વધારો થયો છે. પ્રથમ વાર ટ્રાન્સયુનિયન સિબિલે 2009માં તેની ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર સર્વિસ શરૂ કરી ત્યારથી 61.1 મિલિયન ગ્રાહકોએ તેમની ક્રેડિટ પ્રોફાઇલનું સ્વ નીરિક્ષણ કર્યું હતું. ઓક્ટોબર 2021 ને સપ્ટેમ્બર 2022 વચ્ચે સૌ પ્રથમ વાર સ્વ દેખરેખ માટે 23. 8 મિલિયન ગ્રાહકોએ રજીસ્ટ્રેશન કર્યુ હતું. આમાંથી 71 ટકા વૃધ્ધિ (16.8 મિલિયન ગ્રાહકો) સૌ પ્રથમ વાર રજીસ્ટ્રેશન કરનારં નોન-મેટ્રો લોકેશન્સમાંથી થઈ હતી.
ટ્રાન્સયુનિયન સિબિલ દ્વારા સિબિલ ફોર એવરી ઇન્ડિયન અહેવાલમાં ભારતભરમાં સેલ્ફ-મોનિરટીંગ ગ્રાહકોની ક્રેડિટ વર્તુણુક અંગેનો સર્વગ્રાહી અભ્યાસ હાથ ધરાયો હતો.
6.11 કરોડ ગ્રાહકો પોતાની ક્રેડિટ માહિતીનું મોનિટરિંગ કરે છે
61.1 મિલિયન સેલ્ફ-મોનિટરીંગ ગ્રાહકો પોતાની ક્રેડિટ માહિતીનું જાતે મોનિટરિંગ કરવામાં અને પોતાની ક્રેડિટ સ્થિતિ સમજવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટાઇઝેશન, સ્માર્ટફોન અને ઇન્ટરનેટ પ્રસારને કારણે ધિરાણમાં તીવ્ર વધારો થયો છે. – રાજેશ કુમાર, મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ, ટ્રાન્સયુનિયન સિબિલ
ઓક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022 દરમિયાન ધિરાણ માટે નવા ગ્રાહકોનો 76 ટકા હિસ્સો ધરાવતા નોન-મેટ્રો શહેરોમાં ભારતીયોમાં પોતાનાં ધિરાણની સ્વ દેખરેખ રાખવાના પ્રમાણમાં નોંધપાત્ર સુધારો થયો છે. 47 ટકા ગ્રાહકોએ સિબિલ સ્કોર અને રિપોર્ટ ચેક કર્યાનાં છ મહિનાની અંદર પોતાની ક્રેડિટ પ્રોફાઇલ (સિબિલ સ્કોર) સુધારી હતી. સેલ્ફ મોનિટરીંગ કરનારા ગ્રાહકોમાંથી 35 ટકા ગ્રાહકોએ મોનટરિંગનાં ત્રણ મહિનાની અંદર નવી ક્રેડિટ લાઇન ખોલી હતી, જ્યારે નોન-મોનિટરિંગ ગ્રાહકોમાં આ પ્રમાણ માત્ર 6.2 ટકા હતું.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે પોતાનો સ્કોર ચેક કર્યાનાં ત્રણ મહિનાની અંદર 46 ટકા સેલ્ફ મોનિટરીંગ ગ્રાહકોએ નવાં ધિરાણ માટે અરજી કરી હતી અને 36 ટકા ગ્રાહકોએ નવી ક્રેડિટ લાઇન ખોલી હતી. ત્રણ મહિનાની અંદર ખુલેલાં નવા એકાઉન્ટમાંથી 49 ટકા પર્સનલ લોન, 14 ટકા કન્ઝ્યુમર લોન, 9 ટકા ગોલ્ડ લોન અને 9 ટકા ક્રેડિટ કાર્ડ લોન હતી.
નોન-મેટ્રો લોકેશન્સમાં મહિલાઓની ધિરાણ ક્ષેત્રમાં વગ વધી
ભારતમાં ગ્રાહક ધિરાણ બજારમાં પરિવર્તન આવી રહ્યું છે, કારણ કે વધુને વધુ મહિલાઓ પોતાની ધિરાણ સ્થિતિ પોતાની હાથમાં લઈ રહી છે. ઓક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022 દરમિયાન અગાઉનાં 12 મહિનાની સરખામણીમાં ધિરાણની સ્વ દેખરેખ કરનારી મહિલાઓની સંખ્યામાં 88 ટકા વધારો થયો હતો. ઓક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022 દરમિયાન 730થી વધુનો સ્કોર ધરાવતી સ્વ દેખરેખ કરતી મહિલાઓની સંખ્યામાં 2.2 ગણો વધારો થયો હતો.