LIC Mega IPO: લિસ્ટિંગ કે સાથ ભી ઔર લિસ્ટિંગ કે બાદ ભી નેગેટિવ રિટર્ન… શેરધારકોમાં છેતરાયાની લાગણી
LICના રોકાણકારોએ એક વર્ષમાં 2.5 લાખ કરોડ ગુમાવ્યા, શેર 40 ટકા તૂટ્યો
7.75 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ રૂ. 920ની ફરી ક્યારેય જોવા મળી નહિં
અમદાવાદ, 17 મેઃ એલઆઇસીનું સ્લોગન છે કે, જિંદગી કે સાથ ભી ઔર જિંદગી કે બાદ ભી…
પરંતુ રૂ. 21 કરોડનો ઐતિહાસિક મોટો પબ્લિક ઇશ્યૂ યોજનારી કંપનીએ… લિસ્ટિંગ કે સાથ ભી કે લિસ્ટિંગ કે બાદ ભી રિટર્ન આપવાના મુદ્દે સાથ છોડી દીધો હોવાની લાગણી તેના શેરહોલ્ડર્સ અનુભવી રહ્યા છે.
દેશનો સૌથી મોટી સાઈઝ રૂ. 21 હજાર કરોડનો LICના IPOના લિસ્ટિંગને એક વર્ષ પૂર્ણ થયું છે. બહુ ચર્ચિત અને મબલક રિટર્ન મળવાના અહેવાલોથી જોરશોરથી આવેલા એલઆઈસીના આઈપીઓમાં રોકાણકારોએ ગોળાની સાથે સાથે ગોફણ પણ ગુમાવવી પડી છે. એટલું જ નહિં, એલઆઈસીએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોના રૂ. 2.5 લાખ કરોડ ડૂબાડ્યા છે. જે 17મે-22ના રોજ 7.75 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ અત્યારસુધી 40.1 ટકા તૂટ્યો છે. શેરનો ઓલટાઈમ હાઈ પણ ઈશ્યૂ પ્રાઈઝ કરતાં નીચો રૂ. 920 છે. અને ઓલટાઈમ બોટમ 530.20 છે. બુધવારે બીએસઈ ખાતે એલઆઈસીનો શેર રૂ. 2.70ના સુધારા સાથે રૂ. 570.10ની સપાટીએ બંધ રહ્યો હતો. LICમાં સરકારનો હિસ્સો હજુ પણ 96.5 ટકા છે. આ સ્ટૉકનું ફ્રી-ફ્લોટ માર્કેટ કૅપ ઘણું ઓછું છે. જેના લીધે માર્કેટ વેલ્યૂની દ્રષ્ટિએ દેશની ટોચની 15 કંપનીઓમાં સામેલ હોવા છતાં, આ સ્ટોક નિફ્ટી અથવા સેન્સેક્સમાં સામેલ નથી. એલઆઈસીની માર્કેટ કેપ અંદાજિત રૂ. 3.58 લાખ કરોડ છે.
સ્ટોક હાલમાં આકર્ષક વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યો છે, જે તેના હરીફની તુલનાએ નોંધપાત્ર ડિસ્કાઉન્ટ દર્શાવે છે. લોંગ ટર્મ વ્યૂહ સાથે રોકાણકારોને સારૂ અનુકૂળ રિટર્ન મળવાની અપેક્ષા હોવાનું સિરિલ ચાર્લી, રિસર્ચ એનાલિસ્ટ, જિયોજીત ફાઈ. સર્વિસિઝ જણાવે છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ, FIIએ હિસ્સો ઘટાડ્યો
મ્યુચ્યુઅલ ફંડ્સ અને એફઆઈઆઈએ આ સ્ટોકમાં તેમનો હિસ્સો ઘટાડ્યો છે. માર્ચ શેરહોલ્ડિંગ પેટર્ન દર્શાવે છે કે LICમાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓનો હિસ્સો ઘટીને 0.63 ટકા થયો છે. મ્યુચ્યુઅલ ફંડસ ડિસેમ્બરમાં કંપનીની ઇક્વિટીમાં 0.66 ટકા હિસ્સો ધરાવે છે. LICને આવરી લેતા 15માંથી 12 વિશ્લેષકો સ્ટોક પર બાય રેટિંગ ધરાવે છે. સાથે જ ત્રણે આ સ્ટોક હોલ્ડ કરવા સલાહ આપી છે.
એલઆઈસી આઈપીઓ રિટર્ન એક નજરે
ઈશ્યૂ સાઈઝ | 21 હજાર કરોડ |
ઈશ્યૂ પ્રાઈઝ | રૂ. 949 |
લિસ્ટિંગ | રૂ. 875.45 |
છેલ્લો ભાવ | રૂ. 570.10 |
ઘટાડો | 40 ટકા |