ધાતુનું રિસાઈક્લિંગ કરનારા એકમો જરૂર જણાય તો નવી ટેકનોલોજી પણ વસાવી લે

અમદાવાદ,તા.18: સ્ટીલના ઉત્પાદકોએ કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવા માટે આર્થિક રીતે ઓછો ખર્ચાળ રસ્તો શોધી કાઢવાની કવાયત ચાલુ કરી દેવાની ઘડી આવી ગઈ હોવાનું દેશના સ્ટીલ સચિવ નાગેન્દ્ર નાથ  સિંહે આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તિ ઉદ્યોગો સાથે અમદાવાદમાં લોહ અને બિનલોહ ધાતુઓના રિસાઈકલિંગ કરીને તેનો ઉપયોગ કરવા માટે ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે 16 અને 17 મેએ ઓલ ઇન્ડિયા નોન ફેરસ મેટલ એક્ઝિમ એસોસિયેશનના ઉપક્રમે યોજેલી પરિષદ દરમિયાન જણાવ્યું હતું. આ માટે ઉદ્યોગોને જરૂર જણાય તો તેમણે નવી ટેક્નોલોજી પણ વસાવી લેવી જોઈએ.

પરીષદમાં રિસાયલ ઇન્ડસ્ટ્રી સહિતના મહાનુભાવો રહ્યા હાજર

 મેટલ (ધાતુ)ના પ્રોસેસિંગમાં શૂન્ય કચરો-ઝીરો વેસ્ટ નીકળે તે માટે ઉદ્યોગોને તૈયાર કરવા માટે કેન્દ્રના ખાણ અને સ્ટીલ ખાતા દ્વારા યોજવામાં આવેલી પરિષદમાં લોહ-બિનલોહ ધાતુને રિસાઈકલ કરનારાઓ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, આઈઆઈટી ગાંધીનગર, સરકારી ઇજનેરી કૉલેજના વિદ્યાર્થીઓ સહિત 350થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ માટે વિદ્યાર્થીઓને પ્લાન્ટ વિઝિટ પણ કરાવી હતી. JNARDCCના સહયોગમાં આ કાર્યક્રમ યોજાયો હતો. GSPCB અને IIMઅમદાવાદે પણ તેમાં ભાગ લીધો હતો.

તસવીરમાં (ડાબેથી જમણે) મેટલ રિસાઈકલિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ અમર સિંહ, વાઈસ પ્રેસિડન્ટ ઝૈન નાથાણી, ડિરેક્ટર જયંત જૈન, જેએનએઆરડીડીસીના ડિરેક્ટર ડૉ. અનુપમ અગ્નિહોત્રી, મેટલ રિસાઈકલિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ સંજય મહેતા, મિનિસ્ટ્રી ઓફ સ્ટીલના સેક્રેટરી નાગેન્દ્રનાથ સિંહા, સંયુક્ત સચિવ યુ.સી. જોશી, અન્માના પૂર્વ પ્રમુખ કિરણ અગરવાલ અને વર્તમાન પ્રમુખ રમેશ શાહ નજરે પડી રહ્યા છે.

આ કોન્ફરન્સમાં વેસ્ટને વેલ્થમાં એટલે કે કચરાને કંચનમાં રૂપાંતરિત કરવા પર ફોકસ કરવામાં આવ્યું હતું. તેની સાથે કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ભારત સરકારના લક્ષ્યાંકને પહોંચી વળાય તેવા પ્રયત્નો પણ કરવા જરૂરી છે. આપણા કુદરતી સ્રોતો પણ મર્યાદિત છે. આ સ્થિતિમાં રિસાઈકલ કરેલી ધાતુનો બહુવિધ ઉપયોગ થતો હોવાથી સરક્યુલર ઇકોનોમિને વેગ આપવા અને પર્યાવરણને જીવંત રાખવામાં ધાતુ ઉદ્યોગે મોખરે રહેવું જરૂરી છે. તેમણે રિસાઈકલ, રિયુઝ, રિકવર, રિડીઝાઈન અને રિમેન્યુફેક્ચરિંગના સિદ્ધાંતને અનુસરવાનો છે.

સ્ટીલ સેક્રેટરીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યુ હતું કે ધાતુ બનાવવા માટેના કાચા માલનો કુદરતી સ્રોત 30 વર્ષથી વધુ ચાલે તેમ ન હોવાથી સ્ક્રેપ રિસાઈકલિંગ અને કચરાના વપરાશ કરવાની પ્રક્રિયા સામેના પડકારોને સમજવા અને ઉદ્યોગોમાં તે અંગે જાતિ લાવવા માટે જ આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. રિસાઈકલિંગ જ હવે શ્રેષ્ઠ વિકલ્પ છે. મેટલના તેના ઉત્પાદનની પ્રક્રિયાને વધુ ટકાઉ અને કાર્બન ઉત્સર્જન ઘટાડીને પર્યાવરણ જાળવે તેવી બનાવવાના પ્રયાસો થવા જરૂરી છે. પ્રધાન મંત્રીના કાર્બન ઉત્સર્જનને ઘટાડવાના ધ્યેયને અનુકૂળ બને તે રીતે પ્રોડક્શનની પ્રક્રિયા બનાવવા પર તેમણે ભાર મૂક્યો હતો. જ ધાતુનો વિનાશક ઉપયોગ અટકાવવા પર ભાર મૂક્યો હતો.

કાર્બન ઉત્સર્જન ઘટાડવા સ્ટીલ વિભાગે 13 ટાસ્કફોર્સની કરી રચના

કાર્બન ઉત્સર્જન ઘટાડવા સ્ટીલ ખાતાએ 13 અલગ અલગ ટાસ્કફોર્સની રચના કરી છે. મેટલ રિસાઈકલિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ સંજય મહેતાએ જણાવ્યું હતું કે બિનલોહ ધાતુ પરની ઊંચી આયાત ડ્યૂટી રિસાઈકલિંગ ઉદ્યોગના વિકાસમાં અવરોધ ઊભો કરી રહી છે. તેને કારણે યુરોપિયન સંઘના દેશો ભારતમાં બિનલોહ ધાતુઓનો ભંગાર એક્સપોર્ટ કરી શકતાં નથી. ડૉ. અનુપમ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જને કારણે કાર્બન ઉત્સર્જનની સમસ્યાના મોટા પડકારો ઊભા થઈ રહ્યા છે. તેથી રિસાઈકલિંગ વધારવું જરૂરી બની ગયું છે. આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર અમિત અરોરાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ક્રેપના શોર્ટિંગમાં ખાસ મદદરૂપ બનતી હોવાનું અને તેમાંથી કચરો બહાર સરળતાથી કરી આપતી હોવાનું જણાવ્યું હતું.

મેટલ રિસાઈક્લર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જયંત જૈને જણાવ્યું હતું કે એલ્યુમિનિયમના રિસાઈકલિંગના બિઝનેસ કાચો માલ મેળવવા માટેના પડકારો ઊભા થઈ રહ્યા છે. સરકારે રિસાઈકલિંગ કરવા અને તેને માટે રિસર્ચ કરવા એક અલગ રિસાઇકલિંગ ઝોન ઊભો કરવો જોઈએ. તેમ જ ક્વોલિટી ચેક પણ તે જગ્યાએ થઈ જાય તેવી વ્યવસ્થા નિર્માણ કરવી જોઈએ.