બાગાયતી નર્સરી સહાય માટે ખેડૂતો https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલ પર અરજી કરી શકશે
અમદાવાદ, 20 જૂનઃ નાયબ બાગાયત નિયામક, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડુતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડુતોએ ikhedut portal https://ikhedut.gujarat.gov.in/ માં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ “સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ” ઘટકમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તેવા બાગાયતદાર ખેડુતો માટે તારીખ – ૨૦/૦૬/૨૦૨૩થી ૧૯/૦૭/૨૦૨૩ સુધી આઈ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. આ કાર્યક્રમ હેઠળ ખેડુતોએ નર્સરી ઓછામાં ઓછા ૨૦૦ ચો.મી તથા વધુમાં વધુ ૫૦૦ ચો.મી વિસ્તારમાં બનાવવાની રહેશે. નર્સરીનું સ્ટ્રકચર એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનું રહેશે. લાભાર્થીદીઠ તેમજ ખાતાદીઠ આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. જે બાગાયતદાર ખેડુતો લાભ લેવા માંગતા હોય તે પોતાના ગામના ઈ-ગ્રામ સેન્ટર કે કોઈ ખાનગી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. તેમ બાગાયત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. અરજી કર્યા બાદ ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટઆઉટ અને તેની સાથે જરૂરી સંબંધિત સાધનિક કાગળો (૮-અ, ૭-૧૨ ની નકલ, આધારકાર્ડ, ખેડુત નોંધણી પત્રક, બેંક પાસબુકની નકલ/બેંક ખાતાની વિગત) સહિત ૭ દિવસમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, પ્રથમ માળ, બ્લોક-સી, બહુમાળી ભવન, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે જમા કરવાની રહેશે. વધુ માહિતી માટે અત્રેની કચેરીનો 079-26577316 પર સંપર્ક કરી શકાશે.