90ના દાયકામાં રાફડો ફાટ્યા પછી હવે મેઈન બોર્ડમાં 5 ટકા જ હિસ્સો
મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 14 કંપનીઓએ મેઈન બોર્ડ આઈપીઓ યોજ્યા

કહેવાય છે કે, શેરબજારની કોઠાસૂઝમાં ગુજરાતીઓને કોઈ પહોંચે નહી,પણ તેનાથી વિપરિત શેરમાં રોકાણ કરવા મામલે પાવરધા એવા ગુજરાતની કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષથી શેર માર્કેટમાં લિસ્ટિંગથી અળગી રહી હતી. જો કે આ ટ્રેન્ડ કોરોના કાળમાં બદલાયો છે. ગત નાણાકીય વર્ષમાં લિસ્ટેડ એસએમઈ આઈપીઓમાં 25 ટકા આઈપીઓ ગુજરાતની કંપનીએ યોજ્યા હતા. 2020-21માં કુલ 28 એસએમઈ કંપનીઓએ આઈપીઓ મારફત રૂ. 244.99 કરોડનુ ફંડ એકત્ર કર્યુ હતુ, જેની સામે ગુજરાતની 7 કંપનીઓએ રૂ. 61.55 કરોડ એસએમઈ આઈપીઓ દ્રારા એકત્ર કર્યા હતા. મેઈન બોર્ડમાં લિસ્ટિંગ માટે પણ ખાતુ કોરોના કાળમાં જ ખુલ્યુ છે. સાડા ત્રણ વર્ષના ગેપ બાદ મેઈન બોર્ડમાં કેમકોમ સ્પેશિયાલિટી આઈપીઓ મારફત રૂ. 318 કરોડ એકત્ર કરવામાં સફળ રહી હતી. ત્યારબાદ હેરનબાએ રૂ. 625.24 કરોડ, અને અનુપમ રસાયણે રૂ. 760 કરોડનો આઈપીઓ યોજ્યો હતો.

મેઈન બોર્ડમાં લિસ્ટેડ 3 કંપનીઓ કેમિકલ સેગમેન્ટની જ

કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં 35થી 65 ટકા હિસ્સો ધરાવતા ગુજરાતની વિભિન્ન કેમિકલ ઉત્પાદિત કંપનીઓ આઈપીઓ યોજી ફંડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સાડા ત્રણ વર્ષ બાદ ગુજરાતમાંથી મેઈન બોર્ડમાં લિસ્ટિંગ કરાવનારી 3 કંપનીઓ કેમિકલ સેગમેન્ટની જ છે. ટેક્સટાઈલ સેક્ટરમાં પણ સિંહફાળો ધરાવતી ગુજરાતની કંપનીઓ અનેક પડકારો વચ્ચે છેલ્લા એક વર્ષ સુધી આઈપીઓ લાવવાની કોઈ યોજના બનાવી ન હતી. પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરી રહી છે. જો માહોલ સકારાત્મક રહ્યો તો તે માર્કેટમાંથી ફંડ એકત્ર કરી લિસ્ટિંગ કરાવશે.

કેમિકલ-ફાર્મા હબ ગણાતા ગુજરાતની વધુ કંપનીઓ આઈપીઓ લાવશે

કેમિકલ, ફાર્મા, ટેક્સટાઈલ માટે હબ ગણાતા ગુજરાતની કંપનીઓ છેલ્લા ઘણા વર્ષથી ક્રાઈસિસનો સામનો કરી રહી હતી. સરકારની પીએલઆઈ, આત્મનિર્ભર યોજનાઓનો લાભ લેવા માટે વધુને વધુ કંપનીઓ જાહેર ભરણાં મારફત ફંડ એકત્ર કરી શકે છે.