અમદાવાદ, ૩ ઓગસ્ટઃ અદાણી જૂથની અદાણી સિમેન્ટની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ લિ.(ACL) એ રૂ. 5000 કરોડની એન્ટરપ્રાઇઝ કિંમતમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિ. (SIL) ને હસ્તગત કરવાની આજે ઘોષણા કરી છે. ACL તેના હાલના પ્રમોટર ગ્રૂપ રવિ સાંઘી પાસેથી SIL ના ૫૬.૭૪% શેર હસ્તગત કરશે.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે આ હસ્તાંતરણ સાથે અદાણી સમૂહ તેના નિર્ધારીત સમય પહેલા ૨૦૨૮ સુધીમાં વાર્ષિક ૧૪૦ મિલિયન ટન સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી રીતે સજ્જ છે. SILના એક અબજ ટનના લાઈમસ્ટોન રિઝર્વ સાથે અંબુજા સિમેન્ટ આગામી બે વર્ષમાં સાંઘીપુરમ ખાતે સિમેન્ટની વાર્ષિક ક્ષમતા વધારીને ૧૫ મિલિયન ટન કરશે. અંબુજા સિમેન્ટ મોટા જહાજોને હેન્ડલ કરવા માટે સાંઘીપુરમ ખાતે કેપ્ટિવ પોર્ટના વિસ્તરણમાં રોકાણ કરશે.

આ ટ્રાન્ઝેક્શન વિશે પ્રતિક્રિયા આપતાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રવિ સાંઘીએ કહ્યું કે, અમે અંબુજા સિમેન્ટ્સ દ્વારા હસ્તાંતરણ વિશે આશાવાદી છીએ અને તે બંન્ને શેરહોલ્ડર્સ માટે પારસ્પરિક રીતે લાભદાયી બની રહેશે. સાંઘીપુરમ ખાતે બેજોડ એસેટ વિકસાવવાના ગૌરવ સાથે બંન્નેનું એકીકરણ વિશ્વના સૌથી મોટા ક્લિંકર મેન્યુફેક્ચરિંગ કોમ્પલેક્સની સ્થાપના કરવાની ક્ષમતા ધરાવે છે. આ વ્યૂહાત્મક સહયોગ વૃદ્ધિ અને ઇનોવેશનને વેગ આપશે તથા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રચંડ શક્તિનું સર્જન કરશે તથા તમામ શેરહોલ્ડર્સ માટે મૂલ્યમાં વધારો કરશે.

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ સાંઘીપુરમ ખાતેનું સાંધી ઇન્ડસ્ટ્રીઝના સંકલિત ઉત્પાદન એકમની ક્ષમતા સાથે ભારતનું સૌથી મોટું સિંગલ-લોકેશન સિમેન્ટ અને ક્લિંકર યુનિટ છે. ૨,૭૦૦ હેક્ટર જમીન સાથે સંકલિત એકમ પાસે વાર્ષિક ૬.૬ મિલિયન ટન ક્લિંકર ઉત્પાદનની ક્ષમતા અને વાર્ષિક ૬.૧ મિલિયન ટનની ક્ષમતા ધરાવતા સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટ સાથે બે ભઠ્ઠા ઉપરાંત તેની પાસે ૧૩૦ મેગાવોટ ક્ષમતાનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ અને ૧૩ મેગાવોટ ક્ષમતા ધરાવતી વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ છે. આ એકમ સાંઘીપુરમ ખાતે કેપ્ટિવ જેટી સાથે પણ જોડાયેલું છે.

સાંધી ઇન્ડસ્ટ્રીઝનું આ સંપાદન અંબુજા સિમેન્ટની વર્તમાન ૬૭.૫ મિલિયન ટન સિમેન્ટ ઉત્પાદનની ક્ષમતા વધારીને વાર્ષિક ૭૩.૬ મિલિયન ટન કરવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા સુધીમાં વાર્ષિક ૧૪ મિલિયન ટનના ચાલુ કેપેક્ષ સાથે અને દહેજ અને અમેથા ખાતે વાર્ષિક ૫.૫ મિલિયન ટનની ક્ષમતાની શરુઆત સાથે, ૨૦૨૫ સુધીમાં અદાણી જૂથની ક્ષમતા વાર્ષિક ૧૦૧ મિલિયન ટનની થઈ જશે.

સાંઘીપુરમ ખાતે ૮,000 DWT (ડેડવેઈટ ટનેજ) ના જહાજના કદને હેન્ડલ કરવા માટે બંદરનું વિસ્તરણ કરવામાં આવશે.દરિયાઈ માર્ગે ક્લિંકર અને સિમેન્ટની અવરજવર શક્ય તેટલા ઓછા ખર્ચમાં થઈ શકે તે માટે પશ્ચિમ કિનારે બલ્ક ટર્મિનલ અને ગ્રાઇન્ડીંગ યુનિટ બનાવવામાં આવશે.

સાંધી ઇન્ડસ્ટ્રિઝ ગુજરાતના નવલખી બંદર અને મહારાષ્ટ્રના ધરમતર બંદર ખાતે એક એક બલ્ક સિમેન્ટ ટર્મિનલ ધરાવે છે. મોટાભાગની સિમેન્ટનું પરિવહન દરિયાઈ માર્ગે થાય છે, જે પર્યાવરણને અનુકૂળ અને ખર્ચની દ્રષ્ટીએ સ્પર્ધાત્મક છે. સાંધી ઇન્ડસ્ટ્રિઝ ૮૫૦ વિક્રેતાના નેટવર્ક સાથે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેરળના બજારોમાં તેની મોજુદગી ધરાવે છે.