જીડીપી જૂન ક્વાર્ટરમાં 8.3% રહેશે, આરબીઆઈના અંદાજ કરતાં વધુ: એસબીઆઈ અર્થશાસ્ત્રીઓ
નવી દિલ્હી
FY24ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો વાસ્તવિક GDP ગ્રોથ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના 8%ના અંદાજ કરતાં વધુ રહેવાની ધારણા એસબીઆઈ અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે.
દેશની સૌથી મોટી ધિરાણકર્તા SBIના અર્થશાસ્ત્રીઓએ જૂન 2023 ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ 8.3% રહેવાનો અંદાજ મૂક્યો છે. તેઓ FY24ની કુલ ગ્રોથ 6.5%ના દરે વધુ રહેવાની અપેક્ષા રાખે છે. માર્ચ 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં દેશનો વાસ્તવિક જીડીપી એક વર્ષ અગાઉના સમયગાળાની તુલનામાં 6.1%ના દરે વધ્યો હતો.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ 2023માં ભારતનો જીડીપી ગ્રોથ 6.1% રહેવાનું અનુમાન આપ્યું છે, જે 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં સ્થાનિક રોકાણ અપેક્ષા કરતાં વધુ મજબૂત વૃદ્ધિને કારણે એપ્રિલના અંદાજની સરખામણીમાં 0.2 ટકા પોઈન્ટનું રિવિઝન છે.
એસબીઆઈના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે, “Q1FY24માં, ઉત્પાદન ટકાવી રહ્યું છે જે વધુ સારો IIP, ઓટોમોબાઈલ વેચાણ, PMI ડેટા વગેરેમાં પ્રતિબિંબિત થાય છે. વધુમાં, કૃષિ વેચાણ મજબૂત રહ્યું છે અને પાવર સપ્લાય ઊંચો રહ્યો છે. સેવાઓમાં Q4FY23માં પેસેન્જર ટ્રાફિક ટકી રહ્યો છે જ્યારે એર કાર્ગો ટ્રાફિકમાં વધારો થયો છે.”
સૌથી મહત્વની બાબત એ છે કે, Q1માં મૂડી ખર્ચમાં વધારો થયો છે, જેમાં કેન્દ્ર સરકારે બજેટના 27.8% ખર્ચ કર્યા છે, જ્યારે રાજ્યોએ અંદાજપત્રના 12.7% ખર્ચ કર્યા છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો કે જ્યાં ચૂંટણી થવાની છે ત્યાં મૂડી ખર્ચમાં 41% સુધીનો વધારો નોંધાયો છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ભારતીય કંપનીઓએ લગભગ 3%ની ટોપ લાઈન ગ્રોથ નોંધાવ્યો હતો. જ્યારે EBITDA અને PAT Q1FY23ની તુલનામાં Q1FY24માં 30%થી વધુ વૃદ્ધિ પામ્યા હતા, જેમાં બેન્કો, ઓટો, IT, ફાર્મા, FMCG, રિફાઇનરી વગેરે જેવા ક્ષેત્રો દ્વારા યોગદાન આપ્યું હતું.