ફેડનો ફફડાટઃ સેન્સેક્સ સુધર્યા મથાળેથી 327 પોઇન્ટ ફફડ્યો
સેન્સેક્સમાં જૂન મહિનામાં અત્યારસુધીમાં 3025 પોઇન્ટનો ઘટાડો
2022માં 5473 અને ઓલટાઇમ હાઇથી 9704 પોઇન્ટનો ઘટાડો
યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 75 બેઝીસ પોઇન્ટનો વધારો કરશે તેવી દહેશત વચ્ચે ભારતીય શેરબજારોમાં એફપીઆઇ, ડીઆઇઆઇ, ઇન્વેસ્ટર્સ, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સનો સામુહિક વેચવાલી યજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં રોકાણકારોની મૂડીમાં રોજ કરોડો રૂપિયાની આહુતિ અપાઇ રહી છે. પોર્ટફોલિયો સાઇઝ એની એ રહી પણ વેલ્યૂમાં ખાસ્સો ઘટાડો થયો હોવાના કારણે ટીપ્સ અને આંધળા અનુકરણથી લીધેલા શેર હવે પાશેર થઇ ગયાની લાગણી અનુભવાઇ રહી છે. નિષ્ણાતો અને બજાર પંડિતો હાલના તબક્કે એક જ સલાહ આપી રહ્યા છે. જે લીધું છે તે પકડીને બેસી રહો, નવું ખરીદવાથી દૂર રહો અને માથે મારવાની તો ભૂલ કરતાં જ નહિં, કારણકે ફેડનું ફેફરું હળવું થતાં જ બજાર બાઉન્સબેક થશે તે 100માંથી 101 નિષ્ણાતો કહી રહ્યા છે…..
બીએસઇ સેન્સેક્સ સવારે 43 પોઇન્ટના ગેપઅપથી ખુલ્યા બાદ વોલેટિલિટી સંકડાયેલી રહેવા સાથે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં 175 પોઇન્ટ સુધર્યો હતો. પરંતુ સેકન્ડ હાફમાં ફરી વેચવાલીનો મારો શરૂ થતાં સુધારો ધોવાઇ જવા સાથે સેન્સેક્સ સુધર્યા મથાળેથી 327 પોઇન્ટ અને મંગળવારના બંધ સામે 152.18 પોઇન્ટ ઘટી 52541.39 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 39.95 પોઇન્ટના ઘટાડા સાથે 15692.15 પોઇન્ટના મથાળે બંધ રહ્યો હતો.
બેન્ક, ઓટો કેપિટલ ગુડ્સ સુધર્યા V/s એનર્જી, મેટલ, ઓઇલ, પાવર ડૂલ
આજે સેક્ટોરલ્સ પૈકી ઓટો, બેન્કિંગ અને કેપિટલ ગુડ્સ સેક્ટોરલ્સમાં સાધારણ સુધારો રહ્યો હતો. સામે એનર્જી, આઇટી, મેટલ, ઓઇલ અને પાવર સેક્ટોરલ્સમાં ઘટાડાની ચાલ જારી રહી હતી.
એફપીઆઇ એકધારી વેચવાલ, સ્થાનિક સંસ્થાઓ સતત લેવાલ
એફપીઆઇની આજે પણ રૂ. 3513.15 કરોડની નેટ વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 2588 કરોડની નેટ ખરીદીનો ટેકો રહ્યો હોવાનું બીએસઇના પ્રોવિઝનલ આંકડાઓ દર્શાવે છે.
બીએસઇ માર્કેટબ્રેડ્થ નેગેટિવ
ટ્રેડેડ 3442 | સુધર્યા 1775 | ઘટ્યા 1519 |
સેન્સેક્સ પેક | સુધર્યા 13 | ઘટ્યા 17 |