અમદાવાદ, 2 નવેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)એ નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી રૂ. 3,652 કરોડની કન્સોલિડેટેડ આવક નોંધાવી છે, જે વાર્ષિક ધોરણે 24% વધારે છે. એકીકૃત ધોરણે રૂ. 1,999 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે વાર્ષિક ધોરણે 13% વધુ છે. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખા નફાનું માર્જિન 50% હતું.

કન્સોલિડેટેડ ધોરણે, નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં શેરદીઠ કમાણી વધીને રૂ. 40.38 થઈ ગઈ છે જે નાણાંકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 35.83 હતી.

ટ્રેડિંગ વોલ્યુમના મોરચે, કેશ માર્કેટ્સે સરેરાશ દૈનિક ટ્રેડેડ વોલ્યુમ્સ (એડીવીટી) રૂ. 77,757 કરોડ (40% ઉપર) નોંધાવ્યું હતું જ્યારે ઇક્વિટી ફ્યુચર્સ રૂ. 1,23,019 કરોડના એડીવીટી સુધી પહોંચ્યા હતા (વાર્ષિક ધોરણે 4%) અને ઇક્વિટી ઓપ્શન્સ (પ્રીમિયમ મૂલ્ય) એડીટીવી રૂ. 60,621 કરોડ (વાર્ષિક ધોરણે 33%) હતી.

NSEએ સ્ટેન્ડઅલોન ધોરણે રૂ. 3,386 કરોડની કુલ ઓપરેટિંગ આવક નોંધાવી હતી, જે વાર્ષિક ધોરણે 22%ની વૃદ્ધિ દર્શાવે છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,770 કરોડ હતી.

NSEએ સ્ટેન્ડઅલોન ધોરણે રૂ. 1,623 કરોડનો કુલ ખર્ચ કર્યો હતો, જે વાર્ષિક ધોરણે 135% વધ્યો હતો. રૂ. 804 કરોડના આ ખર્ચમાંથી લગભગ 50% સેબી ટર્નઓવર ફી, આઈપીએફટીમાં યોગદાન અને કોર એસજીએફમાં યોગદાન માટે છે.

ઓપરેટિંગ એબિટા સ્તરે, NSEએ સ્ટેન્ડઅલોન ધોરણે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે 54%નું એબિટા માર્જિન નોંધાવ્યું હતું, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 78% હતું.

NSEએ નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 1,562 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે વાર્ષિક ધોરણે 2%નો વધારો દર્શાવે છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,535 કરોડ હતો. નેટ સ્ટેન્ડઅલોન પ્રોફિટ માર્જિન 42% હતું.

નાણાકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન, સરકારી તિજોરીમાં રૂ. 18,744 કરોડનું યોગદાન આપ્યું જેમાં એસટીટી રૂ. 14,858 કરોડ, સ્ટેમ્પ ડ્યુટી રૂ. 1,156 કરોડ, જીએસટી રૂ. 975 કરોડ, આવકવેરા રૂ. 1,252 કરોડ અને સેબીમાં રૂ. 503 કરોડનો સમાવેશ થાય છે.