NLC Indiaનો શેર આજે 3 વર્ષના તળિયે પહોંચ્યો, ઓફર ફોર સેલની જાહેરાતની અસર
અમદાવાદ, 7 માર્ચઃ એનએલસી ઈન્ડિયા લિમિટેડના શેર્સ ગુરુવારે ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યા છે. જેની પાછળનું કારણ સરકાર દ્વારા શરૂ થયેલી ઓપન ઓફર સેલ જણાઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર ઓપન ઓફર દ્વારા કંપનીમાંથી 7 ટકા સુધીનો હિસ્સો વેચવા જઈ રહી છે. કંપનીના 9.71 કરોડ શેર્સનું વેચાણ થશે.
બીએસઈ ખાતે એનએલસી ઈન્ડિયાનો શેર આજે ઈન્ટ્રા ડે 4.08 ટકાથી વધુ તૂટી 217.10ના તળિયે પહોંચ્યો હતો. જે ફેબ્રુઆરી, 2021 બાદનું સૌથી નીચુ સ્તર છે. બજાર બંધ થવાની થોડી ક્ષણો પહેલાં 3.57 ટકા ઘટાડે 218.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ઓફર ફોર સેલમાં ગ્રીન શૂનો વિકલ્પ ઉપલબ્ધ છે. એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર. “ઓફર ફોર સેલની ફ્લોર પ્રાઇસ પ્રતિ શેર રૂ 212 નક્કી કરવામાં આવી છે. નોન રિટેલ ઈન્વેસ્ટર્સ માટે ઈશ્યૂ આજે ખૂલ્યો છે. જ્યારે રિટેલ રોકાણકારો માટે 11 માર્ચે ઈશ્યૂ ખૂલશે. રિટેલ રોકાણકારો માટે સરકારે 10 ટકા શેર્સ, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ અને ઈન્સ્યોરન્સ કંપનીઓ માટે 25 ટકા શેર અનામત રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, વાસ્તવમાં સરકાર 6.93 કરોડ ઈક્વિટી શેર્સ ઓફર કરવા માગે છે. પરંતુ ગ્રી શૂ વિકલ્પ હેઠળ વધારાના 2.77 ઈક્વિટી શેર્સ ઓફર કરી શકે છે. ઈશ્યૂની કુલ સાઈઝ રૂ. 2056.4 કરોડ છે.
NLC India શેર એક વર્ષમાં 185 ટકા વધ્યો
છેલ્લા 12 મહિનામાં તે 185.35% વધ્યો છે. દિવસમાં અત્યાર સુધીનું કુલ ટ્રેડેડ વોલ્યુમ તેની 30-દિવસની સરેરાશ કરતાં 0.84 ગણું હતું. રિલેટીવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ 41.21 પર હતો. બ્લૂમબર્ગ ડેટા અનુસાર, કંપનીને ટ્રેક કરતા સ્ટોક માટે ‘હોલ્ડ’ રેટિંગ ધરાવે છે. સરેરાશ 12-મહિનાના ભાવ લક્ષ્યાંક કરતાં 28.6% વધુ ઉછાળો નોંધાવાની સંભાવના દર્શાવાઈ છે.
એનએલસી ઈન્ડિયાએ 600 મેગાવોટ વીજ સપ્લાયનો કરાર કર્યો
કેન્દ્ર સરકારની માલિકી હેઠળની એનએલસી ઈન્ડિયાએ આજે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. સાથે ભૂજના ખાવડા સોલાર પાર્કમાં 600 મેગાવોટ વીજ પુરવઠો પૂરો પાડવા પાવર પરચેસ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. એનએલસી ઈન્ડિયાએ ગુજરાતમાં સોલાર પ્રોજેક્ટના બીડ હાંસલ કર્યા છે. આ પ્રોજેક્ટ જૂન, 2025 સુધી અમલી થવાનો આશાવાદ છે.