નારાયણ મૂર્તિના 5 માસના પૌત્રને 4.2 કરોડ ડિવિડન્ડની કમાણી, યુવા મિલિયોનર
અમદાવાદ, 19 એપ્રિલઃ
Infosys Founder’s Grandson: ઈન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિના પાંચ માસના પૌત્રએ 4.2 કરોડની કમાણી કરી છે. પૌત્રએ આ કમાણી થોડા સમય પહેલાં જ ભેટમાં મળેલા શેર્સ પર ડિવિડન્ડ પેટે કરી છે.
ટોચની બીજા નંબરની આઈટી કંપની ઈન્ફોસિસે પ્રોત્સાહક પરિણામો રજૂ કરતાં તેના રોકાણકારોને શેરદીઠ રૂ. 28 પેટે ડિવિડન્ડની લ્હાણી કરી છે. આ લ્હાણીના લીધે ઈન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિના પાંચ માસના પૌત્રએ 4.2 કરોડની કમાણી કરી છે. ઈન્ફોસિસે ગુરૂવારે ચોખ્ખા નફામાં 30 ટકા સુધીનો ઉછાળો નોંધાવાની સાથે શેરદીઠ રૂ. 20નું અંતિમ અને રૂ. 8નું સ્પેશિયલ ડિવિડન્ડ ફાળવ્યું છે.
ઈન્ફોસિસ ફાઉન્ડરના પાંચ માસના પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિને ગત મહિને તેના દાદા તરફથી ઈન્ફોસિસના 15 લાખ શેર્સ ગિફ્ટ પેટે આપવામાં આવ્યા હતા. જેમાં ડિવિડન્ડ પેટે કમાણી કરી દેશનો સૌથી યુવા મિલિયેનર (લખપતિ) બન્યો છે.
એકાગ્ર નારાયણ મૂર્તિના પુત્ર રોહન મૂર્તિ અને પુત્રવધૂ અપર્ણા ક્રિષ્ણનનો પુત્ર છે. જે ઈન્ફોસિસમાં 0.04 ટકા હિસ્સો ધરાવે છે. આઈટી કંપનીના શેરની વર્તમાન કિંમત રૂ. 1400 મુજબ એકાગ્ર રૂ. 210 કરોડની નેટવર્થ ધરાવે છે.
ઈન્ફોસિસે માર્ચ ત્રિમાસિકમાં રૂ. 6134 કરોડ સામે રૂ. 7975 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. આવકો પણ 1.3 ટકા વધી રૂ. 37923 કરોડ થઈ છે. ઈન્ફોસિસના સીઈઓ અને એમડી સલિલ પારેખે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024માં ડીલની વેલ્યૂ સૌથી વધુ રહી છે. જે ગ્રાહકોનો અમારા પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. અમે એઆઈ સેગમેન્ટમાં સતત વિસ્તરણ કરી રહ્યા છીએ. અમે ક્લાયન્ટ પ્રોગ્રામ, મોટા ભાષાકીય મોડલ્સનો લાભ લેતાં સોફ્ટવેર એન્જિનિયરિંગ, પ્રોસેસ ઓપ્ટિમાઈઝેશન, અને કસ્ટમર સપોર્ટમાં વધારો કરી રહ્યા છીએ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)