Crypto loss: વધુ એક ક્રિપ્ટો લેન્ડર બેન્કરપ્ટ, કંપનીના એક્ઝિક્યુટીવ્સે રોકાણકારો-યુઝર્સને છેતર્યા હોવાનો પુરાવો
- 1.2 અબજ ડોલરનું ફાઈનાન્સ અટવાયું
- 3 લાખ ગ્રાહકોનું પ્લેટફોર્મ પર 100 ડોલરથી વધુ રકમનું બેલેન્સ
- 22.5 કરોડ ડોલરનું ફંડ 63000 યુઝર્સને પાછું આપવા માગે છે કંપની
ન્યૂયોર્ક
ક્રિપ્ટો કરન્સી મામલે કોઈ સત્તાવાર નીતિ-નિયમો ન હોવાથી ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ, નેટવર્ક પ્લેટફોર્મ, તેમજ લેન્ડરિંગ કંપનીઓ સંચાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. હાલમાં જ દેશના ટોચના ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરએક્સ વિરૂદ્ધ તાજેતરમાં જ કાર્યવાહી હાથ ધરી એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતાં.
અમેરિકાના વધુ એક ક્રિપ્ટો લેન્ડર સેલ્સિયસ નેટવર્ક (Celsius Network) ડિફોલ્ટ થયું છે. જો કે, તેના હોશિયાર એક્ઝિક્યુટીવ્સે બેન્કકરપ્સી દાખલ કર્યા બાદ એકાઉન્ટ ફ્રીઝ થાય તે પહેલાં જ માર્કેટમાંથી 5.6 કરોડ ડોલરનું રોકાણ પાછું ખેંચી લીધુ હતું.
એક્ઝિક્યુટીવ એલેક્સ માશિન્સકી, ડેનિયલ લિયોન અને ન્યુક ગોલ્ડસ્ટેઇને લાખો ડોલરના બિટકોઇન, એથર, યુએસડી કોઈન અને સેલ્સિયસ ટોકન્સ વેચી ફંડ ઘરભેગુ કર્યુ હતું. બેન્કરપ્ટ જાહેર થયા બાદ તેના ગ્રાહકોએ દબાણ કરતાં મશિન્સ્કીએ ગયા અઠવાડિયે સેલ્સિયસ સીઇઓ તરીકે પદ છોડ્યું હતું. હવે તેના કો-ફાઉન્ડર અને ચીફ સ્ટ્રેટર્જી ઓફિસર લિયોને પણ રાજીનામું આપ્યું છે.
એક્ઝિક્યુટીવ્સે ગ્રાહકોને છેતર્યા
નાદારી જાહેર કરતાં પહેલાં જ કંપનીના ટોચના અધિકારીઓએ મોટાપાયે પોતાનો હિસ્સો વેચી દીધો હોવાની ઘટના પ્રશ્નો ઉભા કરી રહી છે કે, શું તેઓ સેલ્સિયસની આર્થિક કટોકટી વિશે અગાઉથી જાણતા હતાં. હજારો ગ્રાહકો સેલ્સિયસ નેટવર્કમાં મોટાપાયે રોકાણ ધરાવે છે. જેઓ પોતાની મૂડી પાછી મળે તેની રાહ જોઈ રહ્યા છે.
સેલ્સિયસના એકાઉન્ટ અસ્પષ્ટ
યુએસ ટ્રસ્ટી વિલિયમ હેરિંગટને જણાવ્યુ હતું કે, સેલ્સિયસ નેટવર્ક યુઝર્સને નાણા પાછા માગવા છે. પરંતુ તે ક્રિપ્ટોમાં કેટલુ હોલ્ડિંગ ધરાવે છે. તેના ગ્રાહકોની કેટલી મૂડી ડિપોઝિટ છે. તેનો સ્પષ્ટ રેકોર્ડ રજૂ કરી રહી નથી. તેમાંય એક્ઝિક્યુટીવ્સ દ્વારા આટલી મોટી રકમ પાછી ખેંચાતાં બેન્કરપ્સી કેસમાં તેના લેણદારો અને યુઝર્સને અસર થઈ શકે છે.