બેન્ક એફડી કરતાં કિસાન વિકાસ પત્ર સ્કીમમાં વધુ વ્યાજ, જાણો કેટલુ અને કેવી રીતે લાભ લઈ શકાય
નવી દિલ્હી
આરબીઆઈ જેમ-જેમ રેપોરેટમાં વધારો કરી રહી છે તેમ તેમ બેન્કોની સાથે સરકાર પણ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કરી રહી છે. હવે પોસ્ટ ઓફિસની બચત યોજના કિસાન વિકાસ પત્ર (KVP)માં વાર્ષિક 6.9%ને બદલે 7% વ્યાજ મળશે. જ્યારે બેન્કો હાલ એફડી પર 6થી 6.5 ટકા વ્યાજ આપી રહી છે.
કિસાન વિકાસ પત્ર સ્કીમનો સૌથી મોટો ફાયદો એ છે કે, એકાઉન્ટ એક વ્યક્તિથી બીજી વ્યક્તિના નામે સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. તેમજ બ્રાન્ચ પર બદલી શકાય છે. જેનો લાભ લેવા લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ છે. સિંગલ એકાઉન્ટ સિવાય જોઈન્ટ એકાઉન્ટની પણ સુવિધા છે. સગીરો પણ આ યોજનામાં જોડાઈ શકે છે, પરંતુ તેની દેખરેખ તેમના માતાપિતાએ કરવાની રહેશે. તેમાં અઢી વર્ષનો લોક-ઇન પિરિયડ છે.
વિવિધ બેન્કોમાં અઢી વર્ષની એફડી પર વ્યાજ
બેન્ક | વ્યાજદર |
આઈસીઆઈસીઆઈ બેન્ક | 5.80 ટકા |
એચડીએફસી બેન્ક | 5.50 ટકા |
એસબીઆઈ | 5.50 ટકા |
પીએનબી | 5.60 ટકા |
બીઓબી | 5.55 ટકા |
અઢી વર્ષ બાદ જ જમા ઉપાડી શકાશે
કિસાન વિકાસ પત્રમાં જો તમે તમારું રોકાણ પાછું ખેંચવા માંગો છો, તો તમારે ઓછામાં ઓછા અઢી વર્ષ (30 મહિના) રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોક-ઇન પિરિયડ છે. એટલે કે તમે આટલા વર્ષો સુધી આ સ્કીમમાંથી પૈસા ઉપાડી શકતા નથી.
10 વર્ષે રોકાણ બમણું
કિસાન વિકાસ પત્રમાં વાર્ષિક 7 ટકાના દરે વ્યાજ પ્રાપ્ત થાય છે. જે અનુસાર, 124 મહિનામાં રોકાણકારની મૂડી ડબલ થતી હોય છે. અર્થાત 10 વર્ષ અને 3 મહિનામાં રોકાણ બમણું થતું હોય છે. સુરક્ષિત રોકાણ કરવા ઈચ્છુક માટે આ યોજના ઉત્તમ છે.