ફિનટેક હબ ગિફ્ટમાં રિઅલ એસ્ટેટમાં 5000 કરોડનું રોકાણ આવશે
2022-23માં 1.25 લાખ કરોડના રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ આવશે
60000 કરોડના પ્રોજેક્ટ માત્ર અમદાવાદ-ગિફ્ટમા શરૂ થશે
ગિફ્ટમાં 30-40 માળના સ્કાયલાઇન રેસિડેન્શિયલ બિલ્ડિંગ પ્રોજેક્ટ શરૂ
દેશના ટોચના શહેરોની તુલનાએ ગુજરાત રોકાણકારો માટે શ્રેષ્ઠ સ્થળ
હાઇરાઇઝ કોસ્ટ સામાન્ય કરતા દોઢથી બે ગણી હોવાથી કિંમત વધુ
ગુજરાતમાં કોરોના મહામારી બાદ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. તેના કારણે ગુજરાતમાં 2022-23માં રૂ. 1.25 લાખ કરોડની કિંમતના 550થી વધુ પ્રોજેક્ટ આવી રહ્યા છે. ખાસ કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રીત કરનારા ફિનટેક હબ તરીકે ખ્યાતી પામેલ ગિફ્ટ સિટીમાં આગામી ત્રણ વર્ષમાં રેસિડેન્શિયલમાં સરેરાશ 5000 કરોડથી વધુનું રોકાણ આવે તેવું અનુમાન છે.
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે. ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયું છે અને તેમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. અત્યારે 12 હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે અને આગામી 3 થી 5 વર્ષમાં 50-75 હજાર કર્મચારીઓ કામ કરતા થઇ જશે જેના માટે રહેઠાણની વ્યવસ્થા મોટો ભાગ ભજવશે તેવો નિર્દેશ શિવાલીક ગ્રૂપના એમડી તરલ શાહે દર્શાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં અત્યારે કુલ વિસ્તારના 22 ટકા જ મંજૂરી રેસિડેન્શિયલને આપવામાં આવી છે. રેસિડેન્શિયલની માગથી આ સેગમેન્ટમાં ઝડપી પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યાં છે. ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે. સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ, યૂટીલિટી ટનલ, કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા પણ છે. સિટીમાં 7 ટાવર કાર્યરત છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે. આ ઉપરાંત પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) તેમજ NSC IFSC-SGX એક્સચેન્જ શરૂ થઇ ચૂક્યા છે તેના કારણે હવે બુલિયન ટ્રેડિંગ અને ફ્યુચર ટ્રેડિંગમાં વધુ સવલતો મળી શકશે. રોકાણકારો તથા ગ્રાહકો માટે દેશના ટોચના શહેરોમાં ગુજરાત અને ખાસકરીને અમદાવાદ પહેલી પસંદ બની છે.
કોરોના પછી રિયલ એસ્ટેટમાં 10-15 ટકા વૃદ્ધિના કારણો
કોવિડ -19 પછી લોકોને તેમના ઘરનું મહત્વ સમજાતાં તેઓ ઘર અને જમીન ખરીદી રહ્યા છે.
છેલ્લા એક વર્ષમાં બાંધકામમાં વપરાતી વસ્તુઓ મોંઘી થતાં મકાનો પણ મોંઘા બન્યા છે
અમદાવાદમાં પણ ધીરે ધીરે હાઇરાઇઝ બિલ્ડિંગ અને ટોપ ફ્લોરનો ક્રેઝ અને કિંમત વધ્યાં
ગુજરાતમાં રેડી ટૂ મૂવ ઇન્વેન્ટરીમાં ખાસ્સો ઘટાડો થયો- તરલ શાહ, એમડી, શિવાલીક ગ્રૂપ
ગુજરાતનું રિઅલ એસ્ટેટ માર્કેટ વાર્ષિક ધોરણે એક લાખ કરોડ આસપાસનું છે. રિઅલ એસ્ટેટમાં દેશમાં ટોચના આઠ શહેરોમાં અમદાવાદની તુલના થાય છે કિંમતોમાં વધારો થવા સાથે માગ પણ ઝડપી વધી છે. 2022માં અમદાવાદમાં જ 70 જેટલા ડેવલપર્સ દ્વારા 250થી વધુ પ્રોજેક્ટ અંદાજે 18-20 હજાર કરોડના રજૂ કરવામાં આવ્યા હતા. રેડી ટુ મૂવ ઇન્વેન્ટરી સાવ નહિંવત્ છે જેના કારણે અપકમિંગ પ્રોજેક્ટ પર ગ્રાહકોની નજર પડી છે.