ડિસઈન્વેસ્ટમેન્ટઃ કોલ ઈન્ડિયા, હિન્દુસ્તાન ઝિંક, આરસીએફનો 5%થી 10% હિસ્સો વેચવાની તૈયારીમાં
- કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 65 હજાર કરોડનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ચૂકી શકે છે.
- ચાલુ નાણાકીય વર્ષમાં અત્યારસુધી લક્ષ્યાંકના 38 ટકા જ ફંડ એકત્ર કરી શકી
- એલઆઈસીનો આઈપીઓ યોજી મેમાં 21 હજાર કરોડ એકત્ર કર્યા હતા.
નવી દિલ્હી
ભારત સરકાર કોલ ઈન્ડિયા, હિન્દુસ્તાન ઝિંક અને રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF)નો 5-10 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે, બ્લૂમબર્ગે જારી કરેલા અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે સરકારી કંપનીઓમાં નાના હિસ્સાનું વેચાણ નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં શેરબજારમાં તેજી અને આવકમાં વધારા માટે કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત રૂ.65 હજાર કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક મૂક્યો હતો. પરંતુ એલઆઈસીના આઈપીઓ સિવાય અન્ય કોઈ પીએસયુમાં હિસ્સો વેચવા સફળ રહી નથી. અત્યારસુધી કુલ લક્ષ્યાંકના 38 ટકા અર્થાત 24544 કરોડ જ એકત્ર કરી શકી છે. આ ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા ટાર્ગેટ પૂર્ણ કરી શકે છે કે નહીં તે જોવાનુ રહેશે.
સરકાર ઓફર-ફોર-સેલ (OFS) મિકેનિઝમ દ્વારા તેના હિસ્સાનો એક ભાગ વેચવા માંગે છે. બ્લૂમબર્ગની ગણતરી મુજબ વર્તમાન મૂલ્યમાં, રેન્જના નીચલા છેડે વેચાણથી કેન્દ્રને આશરે રૂ. 16,500 કરોડ ($2 અબજ) મળી શકે છે. કેન્દ્રીય કેબિનેટે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડમાં સરકારનો સંપૂર્ણ હિસ્સો વેચવાની મંજૂરી મેમાં આપી હતી.
હિન્દુસ્તાન ઝિંક સરકારી માલિકીની કંપની હતી. સરકારે અગાઉ 2002માં આ પેઢીમાં 26 ટકા હિસ્સો વેચ્યો હતો, જે અનિલ અગ્રવાલની આગેવાની હેઠળના વેદાંત ગ્રૂપે ખરીદ્યો હતો. માઇનિંગ જાયન્ટે પાછળથી તેનું હોલ્ડિંગ 64.92 ટકા સુધી લઈ જવા માટે કંપનીમાં વધુ હિસ્સો ખરીદ્યો હતો.
ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાઓને અનુરૂપ બનવા માટે, સરકાર આગામી ચાર સરકારી કંપનીઓ કોલ ઈન્ડિયા, NTPC, હિન્દુસ્તાન ઝિંક અને RITESમાં વેચાણ માટે ઓફર લાવવાની યોજના બનાવી રહી છે.