BSE સ્ટાર મ્યુચ્યુઅલ ફંડ્સે એક દિવસમાં 37.75 લાખના રેકોર્ડ ટ્રાન્જેક્શન નોંધાવ્યા
અમદાવાદઃ દેશનું સૌથી મોટુ, રેગ્યુલેટેડ અને એક્ચેન્જ આધારિત ઓનલાઈન મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યૂશન પ્લેટફોર્મ BSE Star MF નવી ટોચે પહોંચ્યું છે. 12 ડિસેમ્બરે રેકોર્ડ 37.75 લાખ ટ્રાન્જેક્શન નોંધાયા હતાં. જે અગાઉ 10 ઓક્ટોબરે 34.29 લાખ સિંગલ ડે ટ્રાન્જેક્શન કરતાં વધ્યાં છે. BSE સ્ટાર MF, નવેમ્બર 2022માં 2.32 કરોડ ટ્રાન્જેક્શન સાથે માસિક ધોરણે રેકોર્ડ ટોચ નોંધાવી છે. એકંદરે, પ્લેટફોર્મે ગત નાણાકીય વર્ષની 18.47 કરોડ ટ્રાન્જેક્શનની તુલનાએ આ વર્ષે આઠ મહિનામાં તેના 88% ટ્રાન્ઝેક્શન હાંસિલ કર્યાં છે. આ અંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે જણાવ્યું હતું કે BSE સ્ટાર MF પ્લેટફોર્મ, 2009માં મ્યુચ્યુઅલ ફંડ રોકાણોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું હતું, જે હવે રોકાણકારોના રોકાણના નિર્ણયોમાં મુખ્ય મધ્યસ્થી બન્યું છે. BSE SEBI, સભ્યો, AMCs, ભાગીદારો અને વિક્રેતાઓને અવિરત સમર્થન માટે અત્યંત આભારી છે કારણ કે તે આ સફરમાં સતત નવી ઊંચાઈઓ હાંસિલ કરવામાં મદદરૂપ બન્યા છે.
માસિક ધોરણે ટ્રાન્જેક્શન 10 ટકા વધ્યાં
ઓક્ટોબરમાં 2.10 કરોડ ટ્રાન્જેક્શન સામે નવેમ્બરમાં ટ્રાન્જેક્શન 10 ટકા વધી 2.32 કરોડ નોંધાયા હતાં. જે વાર્ષિક ધોરણે ગતવર્ષની 1.68 કરોડ સામે 38 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં બીજા ત્રિમાસિકમાં મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્જેક્શન 36 ટકા વધી 5.91 કરોડ નોંધાયા હતાં. જે ગતવર્ષે 4.26 કરોડ હતા.
ઈક્વિટી રોકાણ ઘટ્યું
ઈક્વિટી રોકાણ પ્રવાહ ઓક્ટોબરમાં 4397 કરોડ સામે નવેમ્બરમાં ઘટી 3704 કરોડ રહ્યો હતો. ગતવર્ષે નવેમ્બરમાં 6557 કરોડનું રોકાણ ઈક્વિટીમાં થયું હતું. બીજા ત્રિમાસિકમાં પણ નેટ ઈક્વિટી ઈનફ્લો રૂ. 14937 કરોડનો (રૂ. 21524 કરોડ) રહ્યો હતો.
એસઆઈપી રોકાણ વધ્યું
બીએસઈ સ્ટાર મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ ખાતે નવેમ્બરમાં કુલ 11.33 લાખ લોકોએ રૂ. 274 કરોડના એસઆઈપી કર્યા હતા. જે ઓક્ટોબરમાં રૂ. 254 કરોડના 10.49 લાખ નવા એસઆઈપી કરતાં વધ્યા છે. આ સાથે કુલ ટર્નઓવર 21 ટકા વધી નવેમ્બરમાં રૂ. 34352 કરોડ થયું હતું. જો કે, વાર્ષિક ધોરણે ગતવર્ષની રૂ. 37501 કરોડની તુલનાએ ટર્નઓવર ઘટ્યું છે.