અમદાવાદ: દલાલ સ્ટ્રીટમાં મંગળવારે ટેલીકોમ, આઈટી, બેન્ક, ફાઈનાન્શિયલ અને ટેકનો શેરોમાં વેલ્યૂ બાઇંગના પગલે મંગળવારે બે સેશનની મંદી પર બ્રેક વાગી હતી અને સેન્સેક્સ 403 પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18600ની સપાટી પાર કરી ગયો હતો. ધનલક્ષ્મી બેન્ક અને સેન્ટ્રલ બેન્ક બન્નેના શેર્સમાં 18 ટકાનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 62,567.92 અને નીચામાં 62,129.57 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 402.73 પોઈન્ટ્સ અથવા 0.65 ટકા ઉછળીને 62,533.30 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ ઉપરમાં 18,617.25 અને નીચામાં 18,490.20 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 110.85 પોઈન્ટ્સ અથવા 0.60 ટકા વધીને 18,608.00 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

ટેલિકોમ, આઇટી અને બેન્કિંગ શેર્સમાં આકર્ષણ

ટેલીકોમ, આઈટી, ટેકનો, બેન્ક, ફાઈનાન્શિયલ અને ઓટો શેરમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી, ઓઈલ-ગેસ, મેટલ અને કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.25 ટકા અને 0.40 ટકા વધીને બંધ રહ્યા હતા.

BSE સેન્સેક્સ બેઝ્ડ કયા શેર્સમાં નોંધાયો સુધારો

BSE સેન્સેક્સ પેકમાં ઈન્ડસઈન્ડમાં સૌથી વધુ 2.46 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીસીએસ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાકેમ્કો, સન ફાર્મા અને આઈટીસીનો સમાવેશ થાય છે.

BSE સેન્સેક્સ પેકમાં આ શેર્સ ઘટ્યા

BSE સેન્સેક્સ પેકમાં આજે નેસ્લે ઈન્ડિયાના શેરોમાં સૌથી વધુ 0.57 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ, મારુતિ, ટાઈટન, હિન્દુસ્તાન યૂનિલિવર અને ડો રેડીઝ લેબનો સમાવેશ થાય છે.

NSE નિફ્ટીમાં કયા શેર્સ વધ્યા, કયા ઘટ્યા

NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં 2.13 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, એચસીએલ ટેકનો અને ટીસીએસનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ અપોલો હોસ્પિટલના શેરમાં 1.27 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં યુપીએલ, હિન્દાલ્કો, નેસ્લે ઈન્ડિયા અને બીપીસીએલનો સમાવેશ થાય છે.