TATA Powerનો Q3 ચોખ્ખો નફો સતત 13માં ત્રિમાસિકમાં વધ્યો, આ વર્ષે 91 ટકા ગ્રોથ
મુંબઈ: Tata Power (NSE,BSE: TATAPOWER)નો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં 91 ટકા વધ્યો છે. કંપનીએ ગતવર્ષે સમાનગાળામાં રૂ. 552 કરોડના નફા સામે આ વર્ષે રૂ. 1052 કરોડનો નફો નોંધાવ્યો છે. જે સતત 13માં ત્રિમાસિકમાં નફામાં વૃદ્ધિ દર્શાવે છે. રિન્યુએબલ્સમાં ક્ષમતા વધારા અને તમામ વ્યવસાયોમાં બહેતર પ્રદર્શનને કારણે તાતા પાવરની કોન્સોલિડેટેડ EBITDA 53 ટકા વધી રૂ. 2818 કરોડ થઈ છે. રિન્યુએબલ્સમાં ક્ષમતા વધારા, થર્મલ પ્લાન્ટ્સમાં ઉચ્ચ ઉત્પાદન અને વિતરણ કંપનીઓમાં ઊંચા વેચાણને કારણે Q3, 2022માં ₹11,015 કરોડની સરખામણીમાં આવકો 30 ટકા વધી આ વર્ષે ₹14,339 કરોડ નોંધાઈ છે.
કંપની પરિણામ એક નજરેઃ (આંકડા કરોડ રૂ.માં)
વિગત | Q3 FY23 | Q3 FY22 | YoY% |
Revenue | 14,339 | 11,015 | 30% |
EBITDA | 2,818 | 1,841 | 53% |
PAT | 1,052 | 552 | 91% |
તાતા પાવરના સીઈઓ અને એમડી પ્રવીર સિંહાએ પરિણામો અંગે જણાવ્યું હતું કે, અમે સતત 13માં ક્વાર્ટરમાં PAT વધવા સાથે મજબૂત પ્રદર્શન કરી રહ્યા છીએ. અમારા તમામ બિઝનેસ ક્લસ્ટરો – જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિન્યુએબલ્સમાંથી ઉત્કૃષ્ટ કામગીરી ગ્રોથમાં સહભાગી થઈ છે. ત્રીજા ક્વાર્ટરમાં અમારા ગ્રીન એનર્જી પ્લેટફોર્મ અને ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન (T&D) વ્યવસાય સાથે સંકળાયેલા વિવિધ વ્યવસાયોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી હતી. અમે રિન્યુએબલ્સ અને ઓડિશા પાવર ડિસ્ટ્રિબ્યુશનમાં રોકાણ કરવા પ્રતિબદ્ધ છીએ. રૂફટોપ સોલર અને ઇવી ચાર્જિંગ ડોમેન્સમાં અમારી સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.
ઈવી સેગમેન્ટમાં વિસ્તરણ
તાતા પાવરે ઓટો એક્સ્પો 2023માં 2025 સુધીમાં 25,000 EV ચાર્જિંગ પોઈન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. જેના ભાગરૂપે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન તાતા પાવરે 30,000+ હોમ ચાર્જર અને 234 બસ ચાર્જિંગ પોઈન્ટ્સ સાથે 493 સ્થાનો પર 3,080+ સાર્વજનિક અને કેપ્ટિવ EV ચાર્જિંગ પોઈન્ટ્સને એનર્જાઇઝ કર્યા છે. દિલ્હી કેન્ટોનમેન્ટમાં EV ચાર્જિંગ પોઈન્ટ સ્થાપવા માટે ભારતીય સેના સાથે ભાગીદારી કરી છે. વધુમાં ઓડિશા, દિલ્હી અને મુંબઈમાં ટાટા પાવર ડિસ્કોમ્સમાં કુલ 5 લાખથી વધુ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન કર્યા છે.