GMDCએ ઓડિશામાં બે કોમર્શિયલ ખાણો માટે હરાજીમાં સૌથી વધુ બોલી લગાવી
અમદાવાદ: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને (GMDCએ જાહેરાત કરી છે કે ઓડિશામાં કોલસાની બે કોમર્શિયલ ખાણો માટે તાજેતરમાં સમાપ્ત થયેલ હરાજીમાં તેઓ સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરી આવ્યા છે. ભારત સરકારના કોલસા મંત્રાલય દ્વારા કોલ બ્લોકની હરાજી કરવામાં આવી હતી. જેમાં GMDC એ સુંદરગઢ જિલ્લામાં ઓડિશાના બુરાપહાર બ્લોક માટે બિડ જીતી છે, જેમાં 548 મિલિયન ટનનો ભૂસ્તરશાસ્ત્રીય જથ્થો ઉપલબ્ધ છે અને અંગુલ જિલ્લામાં આવેલા બૈતરાની (વેસ્ટ) બ્લોકમાં 1152 મિલિયન ટનનો ભૂસ્તરશાસ્ત્રીય જથ્થો છે. કોલ બ્લોક્સનું આ સફળ સંપાદન GMDC માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે, કારણ કે તે કોલસા ખાણ ક્ષેત્રે કંપનીની હાજરીને વિસ્તારશે અને ભારતીય અર્થતંત્રના વિકાસમાં યોગદાન આપશે. આ વિકાસ સાથે, GMDCના વધારાના 21 MTPA (મેટ્રિક ટન પર એનમ) રાષ્ટ્રની ઉર્જા જરૂરિયાતને વેગ આપશે, જે ક્ષેત્રની અગ્રણી માઇનિંગ કંપની તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરશે.
આ ઉપલબ્ધિ અંગે વાત કરતા, જીએમડીસીના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંઘે જણાવ્યું હતું કે, અમે સલામતી અને પર્યાવરણીય સ્થિરતાના સર્વોચ્ચ ધોરણોને સુનિશ્ચિત કરીને આ બ્લોક્સને તેમની સંપૂર્ણ ક્ષમતામાં વિકસાવવા માટે અમારા સંસાધનો અને કુશળતાનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આત્મનિર્ભર ગુજરાત તરફની સફરમાં આગળ વધતા, આ વિસ્તરણ GMDCને ગુજરાતની ભૌગોલિક સીમાઓથી આગળ વધવામાં મદદ કરે છે અને પાવર સેક્ટરના વિકાસ અને દેશની ઉર્જાની જરૂરિયાતો ઊભી કરવા માટે ભાવિ આયોજનમાં મદદ કરે છે.